GUJARAT

RTO Server Down: રાજ્યભરમાં RTOનું સર્વર બે દિવસથી બંધ, અનેક લોકોને ધક્કો

અમદાવાદ સહિત રાજ્યભરની RTOમાં NIC અંતર્ગત કામગીરી કરવામાં આવે છે. પરંતુ બે દિવસથી રાજ્યભરમાં ટેક્નિકલ કારણોસર RTOનું સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે. આજ રોજ પણ અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી. હાલ પણ RTO ડ્રાઈવિંગની કામગીરી બંધ કરવામાં આવી છે. હાલ અમદાવાદ RTOના તમામ ગેટ બંધ કરી દેવાયા છે. અમદાવાદની ત્રણ RTOમાં 500 જેટલા અરજદારોની અરજી રદ કરી દેવાઈ છે. લોકો રજા લઈને, કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે આવતા હોય છે. પરંતુ દરવખતની જેમ ફરી RTOનું સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે. અનેક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી છતાં RTOના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. હાઈટેક ગુજરાતની વાતો માત્ર બણગા સમાન રહી ગઈ છે. કારણ કે, હજારો વખત RTOનું સર્વર બંધ થાય છે પણ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી.

આજે પણ ટ્રેક બંધ રહેતા અરજદારોને ધક્કો પડ્યો

ગઇકાલે (ગુરુવાર) સમગ્ર રાજ્યમાં ફરી એક વખત RTOનું સર્વર ટેક્નિકલ કારણોસર ઠપ્પ રહેવાનાં કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આજે (શુક્રવાર) પણ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોને આગામી સપ્તાહની એપોઈમેન્ટ આપવામાં આવી હતી. અરજદારોને મેસેજ કે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવાની સુવિધા નથી. જેના કારણે અરજદારોને સમય અને આર્થિક ધસારો ભોગવવાનો વારો આવે છે. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેકના મેઈન્ટેનન્સની કામગીરીનાં અભાવે ખામી સર્જાઈ છે. ત્યારે જો આજે પણ ટેક્નિકલ સોફ્ટવેરની સમસ્યા દૂર નહીં થાય તો આવતીકાલે (શનિવાર) પણ ટેસ્ટ ટ્રેક બંધ રહી શકે છે.

અરજદારોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે

અમદાવાદ શહેરમાં આવેલ ત્રણેય RTO ઓફીસમાં 500 થી વધુ અરજીઓ કેન્સલ થતા અરજદારોને ધક્કો પડ્યો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં હજારો અરજદારોને RTO ઓફીસનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે દિલ્હી સ્થિત NICએ કોઈપણ જાતની જાણ કર્યા વગર સર્વર બંધ કરી દેતા અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સર્વર બંધ રહેતા RTO કચેરીએ ફરી અપોઈન્ટમેન્ટ લેવાની સૂચના આપી હતી. ત્યારે અરજદારોએ એજન્ટોને નવી એપોઈમેન્ટ માટે વધુ રૂપિયા 100 ચૂકવવા પડશે. તો અરજદારોની માગ છે કે, સર્વર ડાઉન થવાના કારણે જે લોકોની ડ્રાઈવિંગ ટેસ્ટ નથી લેવાઈ, તેવા વાહનચાલકોને ચાલુ અઠવાડિયામાં કામકાજના દિવસોમાં અપોઈન્ટમેન્ટ વગર અને કોઈ ખર્ચ વગર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button