પોશીનાના મામાપીપળા ગામ પાસે શુક્રવારની સાંજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તુરત જ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે પોલીસે મૃત્તક યુવાનોની લાશને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોશીનાના બેડી ગામે રહેતા કાળુભાઈ મોતીભાઈ પરમારે પોશીના પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 1લી નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં ફરિયાદી કાળુભાઈ સહિત તેમના ગામના પ્રભુભાઈ તેમજ બારા ગામના ભગાભાઈ ત્રણેય જણાં રાજસ્થાન ફરી ને ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન તાલુકાના મામાપીપળા ગામ પાસે સામેથી ચાર સવારી બેસાડીને પૂરઝડપે આવતી મોટરસાયકલના ચાલક ફ્તાભાઈએ ટક્કર મારતા બંને મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી કાળુભાઈ સાથે રહેલા ભગાભાઈ અને પ્રભુભાઇ તેમજ સામેની બાઈક પર સવાર ફ્તાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે ફરિયાદી કાળુભાઈ સહિત 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને ભારે રોકકળ કરી મૂકી હતી. આ મામલે પોલીસે લાશને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ : (1) ભગાભાઈ બાબુભાઈ પરમાર(ઉ. વ. 24, રહે. બારા, તા. પોશીના), (2) પ્રભુભાઈ ખીમાભાઈ પરમાર(ઉ. વ. 22, રહે. બેડી, તા. પોશીના), (3) ફ્તાભાઈ શંકરભાઈ પરમાર (ઉ.વ. 21, રહે. મામાપીપળા, તા. પોશીના).
ઈજાગ્રસ્તોના નામ : (1) કાંતિભાઈ વક્તાભાઈ પરમાર(ઉ. વ. 24, રહે. મામાપીપળા, તા. પોશીના), (2) ગોમાભાઇ પરથાભાઈ પરમાર (ઉ.વ. 25, રહે. રણોરા, રાજસ્થાન), (3) મનસાભાઇ ખીમાભાઈ પરમાર (ઉ. વ. 21, રહે. મામાપીપળા, તા. પોશીના), (4) કાળુભાઈ મોતીભાઈ પરમાર (ઉ. વ. 20, રહે. બેડી, તા. પોશીના).
Source link