Ahmedabad News: અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ, ઓફિસમાં ઘૂસીને કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં અસામાજિક તત્વોએ ફોર્ચ્યુન હબમાં આવેલી ઓફિસમાં મારામારી કરી છે. ઓફિસમાં આવી ચાર લોકો પર જીવલેણ હુમલો કરાયો હતો.
જેમાં બોડકદેવ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્તોને સોલા સિવિલ સારવાર અર્થે ખસેડાયા
ઈજાગ્રસ્તોને સોલા સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવી છે. ત્યારે જીવલેણ હુમલો કરાયા છતાં પોલીસ ફરિયાદ ન લેતા સવાલો ઊભા થયા છે.
જેમાં અસામાજિક તત્વોને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ કરાયા છે. જેમાં વ્રજ જ્વેલર્સની ઓફિસમાં વિક્રમ રબારી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે 7 થી 8 જેટલા શખ્સો એક સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું અને સાથે સાથે જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની પણ માગણી કરી હતી.