IPL 2025 પહેલા સંજુ સેમસનને ગંભીર ઈજા થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ સંજુ લગભગ 1.5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. આ સ્ટાર ક્રિકેટરને તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. IPL 2025 પહેલા રાજસ્થાન માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
કેરળ ટીમને લાગ્યો મોટો ઝટકો
ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝ પછી સંજુ રણજી ટ્રોફીમાં કેરળ માટે ભાગ લેવાનો હતો. પરંતુ હવે તે આ ટીમમાંથી પણ બહાર થઈ શકે છે. રિપોર્ટ મુજબ તે તિરુવનંતપુરમ પાછો ફર્યો છે. સંજુ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિહેબ પૂર્ણ કર્યા પછી તાલીમ શરૂ કરશે. સંજુને મેચમાં પાછા ફરવા માટે NCA ની મંજૂરીની જરૂર પડશે.
રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેરળ અને જમ્મુ અને કાશ્મીર ટકરાશે. પરંતુ આ મેચમાં સંજુના રમવાની શક્યતા ઘણી ઓછી છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સંજુ લગભગ 5 થી 6 અઠવાડિયા સુધી નેટ પ્રેક્ટિસથી બહાર રહેશે.
ધ્રુવ જુરેલે કર્યું વિકેટકીપિંગ
મુંબઈમાં રમાયેલી પાંચમી T20 મેચમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બોલથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે, સંજુ ભારત માટે વિકેટકીપિંગ પણ કરી શક્યો નહીં. તેના સ્થાને ધ્રુવ જુરેલે કાર્યભાર સંભાળ્યો.
પરંતુ ઈજાગ્રસ્ત થયા બાદ, સેમસને થોડા સમય માટે ભારત માટે બેટિંગ કરી. તેને ચોગ્ગા અને છગ્ગા પણ ફટકાર્યા. પરંતુ તે પોતાની ઈનિંગ્સ મોટી કરી શક્યો નહીં. તેને 16 રનની ઈનિંગ રમી.
સિરીઝમાં ખરાબ પ્રદર્શન
ઈંગ્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં સંજુ પોતાની બેટિંગથી ખાસ પ્રભાવિત કરી શક્યો નહીં. જમણા હાથના આ બેટ્સમેન એક પણ અડધી સદી ફટકારી શક્યો નહીં. તેને છેલ્લી પાંચ ઈનિંગ્સમાં 16, 1, 3, 5 અને 26 રન બનાવ્યા છે.