- સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
- પોલીસ પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- સાપુતારા દેશ-દુનિયાના નકશામાં એક મહત્વના ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે
ચોમાસાની સિઝનમાં ડાંગનું પ્રાકૃતિક સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે મુલાકાતીઓનો પણ આ સિઝનમાં મોટો ધસારો રહેતો હોય છે. ત્યારે ઘણા પ્રકારના અણબનાવો વિસ્તારમાં બનતા હોય છે અને મુલાકાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સાપુતારામાં સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
ત્યારે આજે ડાંગના પ્રવાસી મથક સાપુતારામાં સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સાપુતારામાં પોલીસ ટ્રાવેલ ફ્રેન્ડ (પોલીસ પ્રવાસી મિત્ર) હેલ્પ ડેસ્ક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગિરિમથક સાપુતારામાં સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના અધ્યક્ષ સ્થાને સાંદિપની સ્કૂલ ખાતે લોક સંવાદ કાર્યક્રમ અને પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર ડાંગના દર્શનીય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે
આ દરમિયાન રેન્જ આઈજી પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે સાપુતારા દેશ દુનિયાના નકશામાં એક વિશેષ ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અહીં આવતા તમામ પ્રવાસીઓને જરૂરી સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે અને પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર મુલાકાતીઓને સાપુતારા સહિત ડાંગના તમામ સ્થળોની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે
આ ઉપરાંત મુલાકાતીઓને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સ્વાગત સર્કલ પાસેની ચોકી પર તે પ્રશ્ન નોંધાવી શકશે અને આ સિવાય અહીં ફરિયાદ પેટી પણ મુકવામાં આવશે. જેમાં પ્રવાસીઓ પોતાની ફરિયાદ કે સજેશન તેમના ફોન નંબર સાથે લખીને નાખી શકે છે. ત્યારબાદ પોલીસ દ્વારા તેને ફરિયાદનો યોગ્ય નિકાલ કરવા પહેલ કરવામાં આવશે.
Source link