સુદામડા હાઇવે પર પોતાના માલઢોર લઇ જતા કચ્છી માલધારી ના પશુઓ ના ટોળા પર કાળ બનીને ત્રાટકેલા ડમ્પરે 60 થી વધુ પશુઓ સાથે માલધારી ને પણ અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.માતેલા સાંઢ બનીને આવેલા ડમ્પરે સર્જેલા અકસ્માતની કરુણાંતિકા માં રોડ પર ઘેટાં, બકરાના ક્ષત વિક્ષત મૃતદેહોથી કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
બપોરના સમયે બનેલ આ બનાવમાં પશુઓ લઇ જતા કચ્છી આધેડને પણ ગંભીર ઇજાઓ થવાથી તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા
સાયલા ના હાઇવે પર હાલ કચ્છ તરફ થી પોતાના માલઢોર લઇ કેટલાય માલધારી પરિવારો નીકળતા જોવા મળી રહ્યાં છે ત્યારે બુધવારે બપોરે થોરિયાળીથી સુદામડા તરફ પશુઓનો ઘેરો લઇ નીકળેલા માલધારીઓ પર યમદૂત બનીને પાછળથી પૂરપાટ આવી ચડેલા એક ડમ્પરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અક્સ્માત એટલો ગંભીર હતો કે, 60 થી વધુ પશુઓ પર ટ્રક ફરી વળતાં રોડ પર અબોલ જીવો ઈજાગ્રસ્ત અને મૃત હાલતમાં તથા એક પશુપાલક પર પણ ઝપટે ચડી જતા તેમણે પણ ગંભીર ઇજાઓ થતાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. અક્સ્માત બાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108 ને જાણ કરાતા ઈજાગ્રસ્ત સાજણભાઇ કરણભાઇ ગોહિલ (રહે.કોટડા,તા.અંજાર,જી.ભુજ)વાળાને ગંભીર હાલતમાં પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાની વિગતો મળી રહી છે જ્યારે સાથે રહેલ ઘનાભાઇ ખાંભલા ને સામાન્ય ઇજાઓ તથા દેવાભાઇ ખાંભલા દૂર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.પશુ ડોકટરની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત 20 થી વધુ ની સ્થળ પર જ સારવાર કરવા સાથે 39 મૃત પશુઓ જેમાં 38 ઘેટાં,1 બકરીની લાશોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી હોવાનું ડૉ. ઘનશ્યામભાઇ ગોહિલે જણાવ્યું હતું.
અક્સ્માતની જાણ થતા સાયલા પોલીસ, મામલતદાર, પશુ ડોકટરની ટીમ , તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓનો કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો. અક્સ્માતમાં ડમ્પરના ટાયર નીચે કચડા ને મૃત પશુઓ ની લાશો પથરાયેલી જોતા જીવદયા પ્રેમીઓ માં પણ અરેરાટી સાથે બેફમ બનેલા ડમ્પરો વિરૂદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોલીસ દ્વારા લોકોનો આક્રોશ જોતા તુરંત અક્સ્માત સર્જનાર ચાલક ને ઝડપી લેવા સાથે રોડ પર સર્જાયેલા ટ્રાફ્કિ જામ ને જોતા તુરંત એક બાજુનો રોડ બંધ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાયલા તાલુકામાં ખનીજ વહન કરતા વાહનોમાં લાઇસન્સ વગરના અણઘડ અને બિન અનુભવી ડ્રાઇવરો ને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે તંત્ર અકસ્માતો બાદ સામાન્ય કાર્યવાહી કરી સંતોષ માની લેતું હોવાથી અને વાહન માલિકો કાયદાની છટકબારીઓ નો લાભ લઇ છૂટી જતા હોવાથી ગોઝારા અકસ્માતો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે
Source link