સાયલા હાઇવે પર સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતોમાં એક મહિલા સહિત કુલ બે લોકોના કરુણ મોત નિપજવા સાથે ફરી એક વખત રક્તરંજિત બન્યો હતો.
સાયલા હાઇવેના ગોસળ બોર્ડ નજીક મંગળવારે વહેલી સવારે થયેલા અક્સ્માતની વધુમાં મળતી માહિતી મુજબ કામકાજ અર્થે દિલ્હીથી પરત ફરી કારમાં જામનગર જતા ચાલક દિનેશભાઇ ધનજીભાઇ પાનેલા ઉ.વ 62એ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાતા ડીવાઈડર કૂદી સામેની રોંગ સાઇડમાં જતા આયશર ટ્રક સાથે ભટકાઇને પડી હતી. અક્સ્માત એટલો ગંભીર હતો કે કારના કૂર્ચે ફૂરચા નીકળી જવા સાથે અંદર બેસેલા જયશ્રીબેન અભયભાઇ ભીંડી ઉ.વ 53, રહે.જામનગરને ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ થયુ હતું. જ્યારે ચાલક દિનેશભાઇ પણ ઈજાગ્રસ્ત થતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અક્સ્માતની જાણ થતાં સાયલા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતકની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેમના પરિવારને જાણ કરાઈ હતી તેમજ પોસ્ટમોર્ટમ કરાવી મૃતક મહિલાની લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. સાયલા બાયપાસ નજીક કાળમુખા હાઇવે પર સર્જાયેલા અન્ય એક અક્સ્માતની પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે ટ્રક લઇ જૂનાગઢ તરફ્ જવા નીકળેલાં કરશનભાઇ રામજીભાઇ સાગરકા, ઉ.વ 64, રહે.તા.માંગરોળ વાળા પોતાનું વાહન રોડની સાઇડમાં મૂકી તેના ટાયર ચેક કરી રહ્યા હતા. ત્યારે પાછળથી ધસી આવેલા બીજા ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી અક્સ્માત સર્જ્યો હતો. અક્સ્માતમાં કરશનભાઇને ગંભીર ઇજાઓ થતાં પ્રથમ સાયલા અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાઓ થવાથી તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. મૃતક ચાલકને અડફેટે લેનાર ટ્રક પણ થોડે આગળ જઇ પલ્ટી ખાઇ ગઇ હતી અને તેનો ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટયો હતો. સાયલા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
Source link