ગુજરાતમાં બ્લેક્ટ્રેપ ખનીજ ઉદ્યોગના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇ એસોસિયેશન દ્વારા અવારનવાર સરકારમાં કરાયેલી રજૂઆતો છતાં કોઇ જ નિરાકરણ નહીં આવવા સાથે નવા નવા જટિલ નિયમોને કારણે આ ગૌણ ખનીજ ઉદ્યોગ પડી ભાંગવાને આરે આવીને ઊભો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે
ત્યારે ઝાલાવાડમાં પણ 120 સ્ટોન ક્રસિંગ યુનિટ તેમજ 85 પથ્થરની ખાણોમાં સાથે 1500 ડમ્પર હાલની પરિસ્થિતિમાં બંધ કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સાયલા પંથકમાં હજારો લોકોને રોજી રોટી રળી આપતા આ ઉદ્યોગમાં ખાણ ખનીજ વિભાગના જટિલ બનતા નિયમોથી યુનિટ તથા ખાણ માલિકો પારાવાર તકલીફેનો સામનો કરી રહ્યા છે. ગુજરાત બ્લેકટ્રેપ કવોરી એસોસિયેશન દ્વારા ઉદ્યોગને વર્તમાન સમયમાં પડી રહેલી મુશ્કેલીઓને લઇ પથિક આશ્રામ ગાંધીનગર ખાતે બોલાવેલી બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ગુજરાત બ્લેકટ્રેપ કવોરી એસો.ની પાટનગર ખાતેની બેઠકમાં દરેક જિલ્લાના પ્રતિનિધિઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એસો.ના પ્રમુખ ગોવિંદભાઈ જોગરાણા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ તથા એસો.ના પ્રતિનિધિઓ દ્વારા પણ સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા હતા. એસો.ની મીટીંગમાં મુખ્યત્વે ECના કારણે ગુજરાતમાં મોટાભાગની લીઝના ATR લોક કરાયા છે તેમજ અન્ય નાના મોટા કારણો દર્શાવી ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી પેપર આપવાના બંધ કરતા ઉદ્યોગને ખૂબ જ માઠી અસરો થવા પામી છે. અગાઉ તા. 16/5/22ના રોજ બેઠકમાં સરકાર દ્વારા વિવિધ મુદ્દે લેખીત સમાધાન કરી અપાયું હતું તેમજ તેની મિનિટ બુકમાં પણ નોંધ કરાઇ હોવા છતાં તમામ મુદ્દાઓનું કોઈ જ નિરાકરણ ના આવતા ઉધોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકસ્ટોન કવોરી એસો.ના પ્રમુખ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કમિટીએ સરકારને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવા પંદર દિવસનો સમય આપી આંદોલનનો અણસાર આપવા સાથે જો આ સમયમાં કોઇ નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિવસે એસોસિયેશનના તમામ સભ્યો દ્વારિકા ખાતે મંદિરમાં શિશ ઝુકાવી ત્યાંથી જ અચોક્કસ મુદત માટે સમગ્ર ગુજરાતમાં કવોરી ઉદ્યોગ બંધ કરશેની ચીમકી પણ વધુમાં ઉચ્ચારી હતી.
Source link