બંધારણમાં સેક્યુલર (બિનસાંપ્રદાયિક) અને સોશિયાલિસ્ટ (સમાજવાદી) જેવા શબ્દો જોડવા મામલે થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટ આ મામલે 25 નવેમ્બરે ચુકાદો આપશે.
રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને કેટલાક સિનિયર લૉયર્સ સહિતના અરજદારો દ્વારા કરાયેલી અરજીઓ મામલે સુનાવણી કરતા સીજેઆઇ જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે અમે 25 તારીખે ચુકાદો સંભળાવીશું. સુનાવણી દરમિયાન બેન્ચે જણાવ્યું કે સેક્યુલરિઝમ તો બંધારણના મૂળભૂત માળખાનો જ ભાગ છે. આ ઉપરાંત જે 42મા સુધારામાં આ શબ્દ બંધારણની પ્રસ્તાવનામાં જોડવામાં આવ્યો હતો તેની તો પહેલેથી સમીક્ષા થઈ ચૂકી છે. અમે એમ ન કહી શકીએ કે સંસદે અગાઉ જે કર્યું હતું તે બધું ખોટું છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે સેક્યુલરિઝમ અને સોશિયાલિસ્ટની પરિભાષાને આપણે પિૃમના ચશ્માથી ન જોવી જોઈએ. અરજદારોનું કહેવું હતું કે બંધારણમાં આ શબ્દો અસામાન્ય સંજોગોમાં ઉમેરાયા હતા. લોકસભાના વિશેષ સત્રમાં આ શબ્દો બંધારણમાં જોડવા પ્રસ્તાવ પાસ થયો હતો. રાજ્યોની મંજૂરી વિના જ આ શબ્દો બંધારણમાં જોડી દેવાયા હતા. સીજેઆઇ જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજદારોના વાંધા વિગતવાર સાંભળ્યા હતા પણ સાથોસાથ એમ પણ કહ્યું કે આ મામલે તો અદાલતમાં અગાઉ પણ વિચારણા થઈ ચૂકી છે. કેસની સુનાવણી દરમિયાન સુબ્રમણ્યમ સ્વામી રૂબરૂ હાજર હતા. અરજદારોના વકીલે કહ્યું કે દેશના લોકોને એક ખાસ વિચારધારાને માનવા ફરજ ન પાડી શકાય. આ તબક્કે સીજેઆઇએ કહ્યું કે આવું તો કોઈ નથી કરી રહ્યું. તેમણે એમ પણ ઉમેર્યું કે સેક્યુલરિઝમની પરિભાષા એસ. આર. બોમ્મઇ કેસમાં વિગતવાર જણાવાઈ હતી. તે કેસમાં કહેવાયું હતું કે સેક્યુલરિઝમ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.
Source link