યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના ચોથા નોરતે અને આજે રવિવારના દિવસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. 51 શક્તિપીઠ સર્કલથી લઈને હાઈવે સુધી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગેલી છે.
લોકોએ વાહનો આડેધડ પાર્ક કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ
નવરાત્રિ પર્વ અને રવિવારની રજાઓના કારણે અંબાજીમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અંબાજી મંદિરના વહીવટદારની ગાડી પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ હતી. મંદિરના શક્તિ દ્વાર ગેટની સાથે વાહનો આડેધડ પાર્કિંગ કરતા આ સમગ્ર ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેના કારણે ત્રણ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતારો લાગી છે.
પોલીસ અને ટી.આર.બી જવાનની કામગીરી પર સવાલો
ત્યારે બીજી તરફ આટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયેલો છે અને યાત્રિકો કલાકો સુધી તેમાં અટવાયેલા જોવા મળી રહ્યા છે તેમ છતાં પણ પોલીસ કે ટી.આર.બી જવાન કોઈ જગ્યાએ ટ્રાફિક ક્લિયર કરતા દેખાયા નથી. ત્યારે પોલીસ અને ટી.આર.બી જવાનની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે પોલીસની બેદરકારીને કારણે જ અંબાજીમાં આટલો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના 9 દિવસ સુધી અંબાજીમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે અને તેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે.
2019ના મિસિસ ઈન્ડિયા અંબાજી મંદિરની મુલાકાતે
તમને જણાવી દઈએ કે 2019ની મિસિસ ઈન્ડિયા શ્વેતા મોદી અંબાજી મંદિરમાં ગરબા જોવા માટે આવ્યા હતા. અગાઉ તેઓ 2019માં મિસિસ ઈન્ડિયા બન્યા બાદ ક્રાઉન લઈને અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને ક્રાઉન માતાના ચરણોમાં અર્પણ કર્યો હતો અને કહ્યું હતુ કે માં અંબાએ મને વિજેતા બનાવી હતી. જયપુરથી નવરાત્રિ જોવા માટે ખાસ મિસિસ ઈન્ડિયા આવ્યા હતા અને અંબાજી મંદિરમાં દર્શન કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા.
નવ યુવક પ્રગતી મંડળ દ્વારા કરાયું સન્માન
આ સાથે જ અંબાજી મંદિરમાં મહા આરતીમાં પણ જોડાયા હતા. ત્યારે નવ યુવક પ્રગતી મંડળ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને માં અંબાના ચાચર ચોકમાં માં અંબાની આરાધના કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તેમને જોવા ઉમટી પડ્યા હતા.
Source link