Ahmedabad drug peddler, ધરપકડથી બચવા પોલીસકર્મીઓ પર કાર ચડાવી

Ahmedabad drug peddler: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ-પેડલર બેફામ બન્યા છે. 2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ-પેડલરને પકડવા ગયેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં જોવા મળે છે કે ડ્રગ્સ-પેડલર પહેલાં બાઇકને કારથી કચડે છે, પછી પાછો કાર આગળ અને પાછળ કરી પોલીસને ટક્કર મારવાના પ્રયાસો કરે છે, જેમાં બે પોલીસકર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે.
ડ્રગ્સ-પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખ
SOGના ઇન્સ્પેકટર મિતેશ ત્રિવેદી અને વી.એચ.જોષીને બાતમી મળી હતી કે બહેરામપુરાનો એક ડ્રગ્સ-પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં સાંજના સુમારે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેચવા નીકળવાનો છે.
આ બાતમીને આધારે પોલીસે આશ્રમ રોડ ICICI બેંક પાસે વોચ ગોઠવી હતી, ત્યારે જ બાતમી વાળી વેન્યૂ કાર ત્યાં આવીને ઊભી રહી ગઇ.
પોલીસે આ ગાડીને કોર્ડન કરવા માટે એક બાઇક કારની આગળ અને બીજી બાઇક કારની પાછળ ગોઠવી દીધી હતી. ત્યારે જ સબ ઇન્સ્પેકટર આર. કે. વાણિયાએ પોતાની ઓળખ આપીને કારના ચાલકને ગાડીમાંથી ઊતરવા માટે કહ્યું હતું.
ત્યારે ચાલકે ગાડી થોભાવાને બદલે આગળ-પાછળ દોડાવવાનો પ્રયાસ કરી પોલીસની બન્ને બાઇક પાડી દીધી હતી, જેથી બે પોલીસકર્મીને ઇજા થઈ હતી. પોલીસે તરત જ હિંમત કરીને તેની ગાડીમાં ઘૂસી ગાડી થોભાવી હતી.