અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે. ઉંમરલાયક અને શરીરે અશક્ત હોવાના કારણે ઝડપથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા. હોલના દરવાજા સુધી તેઓ આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેઓને ઊંચકી બહાર લાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરની ટીમ ત્યાં પહોંચી ત્યારે વૃદ્ધ બેભાન અવસ્થામાં હતા તેઓને ઊંચકી નીચે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.
વૃદ્ધ દાઝી ગયેલી હાલતમાં બેભાન મળ્યા હતા
અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, ગોતા વિસ્તારમાં આવેલા સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગમાં 704 નંબરના મકાનમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે બેડરૂમમાં આગ લાગેલી હતી. ઘરમાં રહેતા જયેશ પારેખ (ઉ.વ 68 આશરે) વૃદ્ધ શરીરે થોડા દાઝી ગયેલી હાલતમાં અને બેભાન અવસ્થામાં હતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની સાથે મળી તેઓને ઊંચકીને નીચે લાવ્યા હતા. તાત્કાલિક ધોરણે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ મકાનમાં આગ લાગી હતી જેનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ, જે વૃદ્ધ હતા તેઓ બેભાન અવસ્થામાં દરવાજા પાસે પડ્યા હતા. બેડરૂમમાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોઈ શકે છે પરંતુ, હજી સુધી તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
ગોડાઉનમાં રહેલો માલ આગમાં બળીને ખાખ
શહેરના રાયપુર દરવાજા પાસે આવેલા નૂતન કાપડ માર્કેટના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કાપડનું ગોડાઉન હોવાથી ગોડાઉનમાં રહેલો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની ભારે જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી જોકે આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
Source link