અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા બે દિવસ પહેલાં વ્યાજ દરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યા પછી તેમજ વૈશ્વિક બજારોમાં તેજીનાં સંકેતે દેશનાં શેરબજારોમાં શુક્રવારે નવા કીર્તિમાન રચાયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
માર્કેટમાં તેજીનાં સેન્ટિમેન્ટને કારણે ચારે તરફ લેવાલીનો માહોલ રચાયો હતો જેને કારણે સેન્સેક્સ 1,400 પોઇન્ટ ઊછળીને પહેલીવાર 84,500 પોઇન્ટનું સ્તર વટાવી 84,544.31 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 375 પોઇન્ટની મજબૂતી સાથે 25,790.95નાં સ્તરે બંધ આવ્યો હતો. તેજીવાળાની પકડ પછી શુક્રવારે રોકાણકારોની તિજોરી છલકાઈ ગઈ હતી અને તેમની સંપત્તિમાં રૂ. 6.36 લાખ કરોડનો વધારો થયો હતો.
આમ તેમને માટે શુક્રવાર ગુડ ફ્રાઈડે પુરવાર થયો હતો. માર્કેટમાં રિયલ્ટી સેક્ટરમાં 3.5 ટકાની તોફાની તેજી જોવા મળી હતી આ ઉપરાંત ઓટો, મેટલ, FMCG શેરોમાં લેવાલીએ ધૂમ મચાવી હતી. સેન્સેક્સનાં 30 શેર પૈકી 26માં તેજી જોવા મળી હતી જ્યારે 4 શેર ઘટયા હતા. નિફ્ટીનાં 50માંથી 44 શેરોમાં તેજી જોવા મળી હતી અને 6 શેર્સ ઘટયા હતા.
કયા સેક્ટરમાં તેજીની ધૂમ? : રિયલ્ટી સેક્ટરમાં તેજીની ધૂમ જોવા મળી હતી અને રિયલ્ટી શેરો 3.05 ટકા વધ્યા હતા. ઓટો સેક્ટરમાં 1.88 ટકાનો અને મેટલમાં 1.65 ટકાનો તેમજ ફાઇનાન્શિયલ સેક્ટરમાં 1.58 ટકાનો, FMCG સેક્ટરમાં 1.38 ટકાનો વધારો નોંધાયો હતો. જો કે સરકારી બેન્કોમાં 0.09 ટકા ઘટાડો નોંધાયો હતો.
માર્કેટમાં તેજીનાં કારણો
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ
પોઇન્ટનો ઘટાડો કરતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પણ વ્યાજમાં ઘટાડાની સંભાવના.
મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં નવેસરથી નીકળેલી ખરીદી.
ગ્લોબલ માર્કેટમાં લિક્વિડિટી વધતા ભારતનાં બજારમાં વધેલી રોકાણની સંભાવના.
એશિયાનાં તમામ દેશોના બજારોમાં ચોતરફ તેજી.
અમેરિકાના ડાઉ અને એસએન્ડપી 500 પણ વિક્રમી સ્તરે પહોંચતા તેની હકારાત્મક અસર શુક્રવારે ભારતીય બજારોમાં પણ જોવા મળી હતી.
BSEમાં 250થી વધુ શેર્સ એક વર્ષની ઊંચી સપાટીએ
માર્કેટમાં તેજીની સાથે જ BSEમાં 250થી વધુ શેર્સ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. ICICI બેન્ક, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિ લિવર, બજાજ ફિનસર્વ તેમજ JSW સ્ટીલનાં શેરો બાવન અઠવાડિયાની નવી ટોચે પહોંચ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોમાં પણ ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે માર્કેટ કેપમાં રૂ. 6.36 લાખ કરોડનો વધારો થયો હતો. રોકાણકારોની તિજોરી તરબતર થઈ હતી. માર્કેટ કેપ વધીને 4,71,84,122 કરોડ થઈ હતી. સેન્સેક્સમાં એક તબક્કે 1,500 પોઇન્ટનો અને નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
Source link