Suigam : સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની ટીમો દોડી

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદ વરસતા રાજ્યના અનેક જિલ્લામાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યભરમાં સિઝનની સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં સતત વરસેલા વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ખાસ કરીને બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં 17 ઈંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પરિવહન અને જનજીવન ખોરવાઈ ગયું હતું.
SDRFની ટીમે ઝડપી કામગીરી હાથ ધરી
કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ પાણી ઓસરતા નુકસાનની ભયાનક સ્થિતિ સામે આવી હતી. અનેક ગામોમાં ખેતીને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે. પાટણના સાંતલપુરમાં તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ત્યાં SDRFની ટીમે ઝડપી કામગીરી હાથ ધરીને ફસાયેલા 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મોરબી જિલ્લામાં મચ્છુ-2 ડેમમાં પાણીની આવક 100 ટકા સુધી પહોંચી ગઈ છે.
પરિણામે ડેમ ઓવરફ્લો થતાં પરિસ્થિતિની તપાસ માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની સ્થળ પર પહોંચ્યા હતા. નવા નીરના વધામણા કરવા સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસા પહેલાં જ રાજ્યમાં 105 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, જે હકીકત સાબિત થઈ છે. તેમ છતાં હજુ ભાદરવાનો વરસાદ બાકી છે,
જે ખેડૂતો માટે ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે. જોકે, આગામી છ દિવસ દરમિયાન રાજ્યમાં હળવા થી મધ્યમ દરજ્જાનો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના જોરમાં ધીમે ધીમે ઘટાડો થશે એવી આશા છે.