રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મુખ્ય શિક્ષક સહિત અન્ય કેટલીક જગ્યાઓ સરકાર દ્વારા નહીં ભરતા તાત્કાલિક પ્રવાસી શિક્ષકની માંગ ઉગ્ર કરી છે. ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા 10 દિવસમાં પ્રવાસી શિક્ષક નહીં અપાય તો કોર્ટનો આશરો લેવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈ રાજ્યના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય મહિનાથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ઘટને લઈ શાળા સંચાલક મંડળ તકલીફ્ અનુભવી રહ્યું છે. જિલ્લામાં કેટલીય શાળાઓમાં ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજીના વિષયના શિક્ષકો નહીં હોવાને લઈ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અંધકારમય બન્યું છે. શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પ્રવાસી શિક્ષક મૂકવાની માંગ કરી છે. બોર્ડની પરીક્ષામાં માત્ર ત્રણ મહિનાનો સમય બાકી છે, ત્યારે સરકારે હજુ સુધી કેટલીય શાળાઓમાં મુખ્ય શિક્ષકોની નિમણૂક નહીં કરાતં બાળકોનું આખું વર્ષ બગડે તેમ જણાય છે.
જિલ્લાની કેટલીય અંતરિયાળ વિસ્તારની માધ્યમિક શાળામાં અતિ ગરીબ બાળકોને મુખ્ય વિષયોનું શિક્ષણ ન થવાને લઈ બાળકોને નુકસાન જઈ રહ્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી ન થવાને લઇ અંતરીયાળ વિસ્તારના ગરીબ બાળકો હવે ખાનગી શાળાઓમાં મોંઘીદાર ફી ભરી શિક્ષણ કાર્ય મેળવવા મજબૂર બન્યા છે.
રાજ્ય સરકાર હવે ડિજિટલ શિક્ષણ પર ભાર મૂકી રહ્યુ છે, ત્યારે શાળામાં ડિજિટલ ઉપકરણો ભણાવે તેવા યોગ્ય શિક્ષકો જ ના હોય ત્યારે ડિજિટલ ઉપકરણો માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે. જેથી હવે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા શાળા સંચાલક મંડળ મેદાને આવ્યું છે .
જિલ્લાની શાળાઓમાં 43 આચાર્યોની જગ્યા ખાલી
જિલ્લામાં 43 આચાર્યો, ઉ.મા. વિભાગમાં – 111 શિક્ષકોની જગ્યા ખાલી જેમાં જુના શિક્ષકો-103 તેમજ માધ્યમિક વિભાગમાં 143 શિક્ષકો તેમજ જુના શિક્ષકોની 118 જગ્યા ખાલી છે. ક્લાર્ક તેમજ પટાવાળાની પણ કેટલીક જગ્યાઓ ખાલી છે. ત્યારે શાળામાં મુખ્ય વિષયના શિક્ષકો નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર માઠી અસર પડી રહી છે.
Source link