ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યર ફરી એકવાર ચર્ચામાં છે. તેની કપ્તાનીમાં મુંબઈની ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે. આ સિવાય આઈપીએલના ઓક્શનમાં તેને પંજાબ કિંગ્સની ટીમે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ દરમિયાન શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યરે તેના વિશે મોટો ખુલાસો કર્યો છે.
સંતોષ અય્યરે જણાવ્યું કે જ્યારે શ્રેયસ અંડર-16 ટીમ તરફથી રમી રહ્યો હતો ત્યારે તેનું ફોર્મ ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.
‘મને લાગ્યું કે તે પ્રેમમાં પડી ગયો છે’
સંતોષ અય્યરે મીડિયાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું, “એક કોચે મને કહ્યું કે શ્રેયસમાં ઘણી ક્ષમતાઓ છે, પરંતુ તે પોતાનું ધ્યાન ગુમાવી રહ્યો છે. મને લાગ્યું કે તે પ્રેમમાં પડી ગયો છે. આ પછી હું તેના વિશે ખૂબ ચિંતિત હતો. મેં તેને સાયકોલોજીસ્ટને બતાવ્યું. આ પછી સાયકોલોજીસ્ટેે કહ્યું કે પ્રદર્શનમાં આવો ઘટાડો સામાન્ય છે. તે ખેલાડીઓના વિકાસનો એક ભાગ છે. તેને મને આ મુશ્કેલ સમયમાં મારા પુત્રને મદદ કરવા કહ્યું.
4 વર્ષની ઉંમરે ટેલેન્ટની પડી હતી ખબર
તેના પિતાએ કહ્યું કે “જ્યારે શ્રેયસ ચાર વર્ષનો હતો ત્યારે અમે ઘરમાં પ્લાસ્ટિકના બોલથી ક્રિકેટ રમતા હતા. તે પછી પણ, તેણે જે રીતે બોલ રમ્યો તે રીતે મને ખાતરી થઈ ગઈ કે તેની પાસે ટેલેન્ટ છે. “તે પછી અમે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા કે તે તેની ક્ષમતાને પૂર્ણ કરી શકે.”
શ્રેયસ અય્યર માટે આ વર્ષ રહ્યું શાનદાર
શ્રેયસ અય્યર માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. તેની કપ્તાનીમાં KKRએ દસ વર્ષ બાદ IPLનો ખિતાબ જીત્યો છે. આ સિવાય આ વખતે તેને રણજી ટ્રોફીમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. KKR દ્વારા રિલીઝ થયા બાદ તેને પંજાબ કિંગ્સે 2025ની IPL ઓક્શનમાં રેકોર્ડ રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. તેમની કપ્તાની હેઠળ મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 જીતી છે.