ગુજરાતમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. નદી, તળાવમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન પણ થઇ રહ્યું છે. ત્યારે ઇમરજન્સી સેવા 108ના આંકડા મુજબ તા. 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસથી લઇને તા.13 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતભરમાં પાણીમાં ડૂબી જવાના કુલ 63 કોલ આવ્યા હતા.
જ્યાં 108 વાન મોકલવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામના આઠ યુવકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબ્યા હોવાના તાજેતરના કરૂણ બનાવે લોકોના હૈયા હચમચાવી મૂક્યા છે. ચોમાસામાં નદીઓમાં પાણીની આવક વધે છે અને બીજી તરફ ગણેશ વિસર્જના દરમિયાન પુરતી તકેદારી રખાતી ન હોવાથી આવી દુર્ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે. જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થતા હોય છે.
ઇમરજન્સી સેવા 108ના અધિકારીના જણાવ્યા મુજબ ગત તા. 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાનના સાત દિવસમાં સૌથી વધુ રાજકોટમાં 11 લોકો ડૂબી ગયા હોવાના કોલ આવ્યા હતા. જેમાં 108ની ટીમે સ્થળ પર જઇ જરૂરી સારવાર કરી હોસ્પિટલમાં ખસેડયા હતા. અમદાવાદમાં બે લોકો ડૂબ્યાના કોલ આવ્યા હતા. જે 63 લોકો રાજ્યમાં નદીઓમાં , તળાવમાં ડૂબ્યા હતા જેમાંથી કેટલાક લોકોના મોત થયા હતા તો કેટલાક લોકો સારવાર દરમિયાન બચી પણ ગયા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ તેઓ કોલ આવે ત્યારે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપે છે, અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરે છે જેથી તેઓની પાસે મોત અંગેના આંકડા હોતા નથી. તેઓ માત્ર કોલ આવે ત્યારે દોડી જઇ જરૂરી મદદ પુરી પાડે છે. હાલ કેનાલો અને નદીઓમાં પાણી ભરપુર છે ત્યારે નદીઓમાં નહાવા પડવાથી દૂર રહેવું જોઇએ. તેમજ ગણેશ વિસર્જન દરમિયાન જરૂરી તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે.
Source link