બોબી પટેલ કબૂતરબાજી કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SMCએ આ કેસમાં વધુ એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. બોબી પટેલના સાથી પંકજ પટેલની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે વારાણસી પાસેથી પંકજ પટેલની કરી ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલે વારાણસી પાસેથી પંકજ પટેલની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આરોપી પંકજ પટેલ છેલ્લા 22 મહિનાથી નાસતો ફરતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આરોપી પંકજ પટેલ પાસેથી પાસપોર્ટ અને મોબાઈલ મળી આવ્યો છે. આ સાથે જ કેટલીક રોકડ રકમ, અમેરિકન ડોલર અને કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ થઈ છે. ત્યારે આ આરોપીને પકડવા માટે રૂપિયા 25,000નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
કબૂતરબાજ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી કરાઈ હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપી પ્રવિણ પટેલ અને હિતેશ પટેલની મુંબઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મુંબઈના મલાડ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, આધારકાર્ડ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ પાસેથી કુલ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કબૂતરબાજ બોબી પટેલ કોણ છે ?
ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફ્કિીંગનું હબ બની ગયેલા ગુજરાતમાં ભરત પટેલ ઉર્ફે બોબી એક મોટું નામ છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વેપાર કરતા ભરત પટેલ ઉર્ફે બોબી ઉપર અનેક મોટા માથાઓના હાથ હતા અને સ્ટેટ મોનિટિરિંગ સેલની ટીમે ભરત પટેલ ઉર્ફે બોબીની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ હાથ ધરેલી તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. બોબી પાસેથી મોટી માત્રામાં થોકબંધ પાસપોર્ટ અને દસ્તાવેજોએ તેની સાથે જોડાયેલા અન્ય 17 આરોપીઓની પોલ ખોલી નાખી છે.
Source link