સુરતમાં જુગારધામ પર SMCએ દરોડા પાડ્યા છે. લીંબાયત પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ફરી એક વખત પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. SMCએ રેડ કરીને 30 જુગારીઓને ઝડપી પાડ્યા છે. સન્ની નામના બુટલેગરના અડ્ડા પર SMCએ રેડ કરી હતી.
જર્જરીત બિલ્ડીંગના ટેરેસ પર ચાલતો હતો જૂગારધામ
શહેરના રંગીલા ટાઉનશીપના ટેરેસ પર જુગારધામ ચાલતું હતું. જર્જરીત બિલ્ડીંગના ટેરેસ પર આ જુગારધામ ચાલતું હતું અને SMCએ રેડ પાડીને જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે. બામ્બુ વડે પ્લાસ્ટિક બાંધીને જુગારધામ ચલાવાઈ રહ્યું હતું. SMCની ટીમ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને રેડ પાડવામાં આવી હતી તેવું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે રેડ દરમિયાન સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ કૂદી પડયો હતો અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યારે જુગાર ધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની હાલમાં ફરાર છે. લિંબાયત પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર SMCએ મોટી કાર્યવાહી કરી છે અને લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થયા છે.
બોરસદમાં જુગારધામ પર SMCએ રેડ કરતા 11 જુગારીઓ ઝડપ્યા હતા
ત્યારે થોડા દિવસ પહેલા આણંદના બોરસદના નાપા વાંટા ગામમાં જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો હતો અને સ્ટેટ વિજિલન્સે છાપો મારીને જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા. LCB, SOG અને સ્થાનીક પોલીસની નાક નીચે ચાલતા જૂગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. એક તરફ જિલ્લા પોલીસ ઉંઘતી રહી અને બીજી તરફ સ્ટેટ વિજિલન્સે સપાટો બોલાવ્યો હતો. મધ્ય ગુજરાતમાંથી જુગારીયાઓ જુગાર રમવા આવતા હતા અને કુખ્યાત દિલુભાના જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો હતો. નાપા ગામનો સરપંચ રાજેશ દિલુભા પણ જુગાર રમતા ઝડપાયો હતો. પોલીસે 45,560ની રોકડ રકમ, 11 મોબાઈલ ફોન સાથે 88,960નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અમદાવાદના દરિયાપુરમાં પણ જુગારધામ પર દરોડા પાડ્યા
અમદાવાદના દરિયાપુરના ચારવાડમાં ચાલતા જુગારધામ પર PCBએ દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મકાનમાં જુગારધામ ચાલતું હતુ. આ દરોડા દરમ્યાન 11 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. યુસુફ શેખ અને ઝુબેર પટેલ નામના આરોપીઓ જુગારધામ ચલાવતા હતા. દરોડા દરમિયાન 97,550 રોકડા, 11 મોબાઈલ, 6 વાહનો મળી કૂલ 16.58 લાખનો મુદ્દામાલ PCBએ જપ્ત કર્યો હતો.
Source link