રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ ઉપરના સિમ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાંથી તસ્કરોએ પાણીની મોટરના કેબલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ખેડૂતોએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેમાં ખેડૂતોને ડબલ માર એક બાજુ અતિવૃષ્ટિને કારણે પાક ફેલ થયો છે તો બીજીબાજુ ખેતરમાંથી કેબલ ચોરાયા છે.
15થી 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરી
યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ ખેતરોમાંથી 15થી 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદના કારણે એક તો કુદરતનો માર છે ત્યારે બીજી બાજુ ખેડૂતોએ ખેતરોના કૂવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલ મોટરના કેબલ ચોરી થતાં ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે, સાથે જ અગાઉ પણ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એક વર્ષમાં 80 થી 90 જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે,સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ ને જાણ પણ કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. તેમજ ખેડૂતોએ પોલીસને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજુઆત તેમજ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.
એક ખેડૂતને 10 હજાર રૂપિયા જેવું નુકસાન ભોગવવાનો વારો આવે છે
ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને 10 હજાર રૂપિયા જેવું નુકસાન ભોગવવાનો વારો આવે છે, સાથે જે કેબલની ચોરી તસ્કરો કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મહેનત પણ વધી જાય છે કારણ કે કેબલ છે તે ખેડૂતોના ખેતરોના કૂવામાં કે દારમાં પાણીની મોટર અંદર હોવાથી તસ્કરો કુવા તેમજ દાર ઉપર રહેલ કેબલ કટિંગ કરીને લઈને જતા રહે છે જેથી કરીને ખેડૂતોને કુવામાંથી આખી મોટર બહાર કાઢી ફરી નવેસરથી નવા મોંઘા ભાવના કેબલની ખરીદી કરીને ફરી બધું ફિટિંગ કરીને કેબલ નાખવા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ તસ્કરો કેબલની સાથે ખેત મજૂરોના મોબાઈલો, વેલ્ડીંગની પેટીઓ સહિતની ચોરી કરીને જતા રહે છે, સાથે વીરપુર પોલીસ રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમજ કેબલ ચોરીના અવારનવાર બનાવો બનતા હોવાથી તસ્કરોને પકડીને કડક કાર્યવાહી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. યાત્રાધામ વીરપુર પંથકના ખેતરોમાં બનતા ચોરીના બનાવો બાબતે પોલીસે પણ હવે ક્યાંક કડક થવાની જરૂરું છે અને પોલીસ પેટ્રોલિંગ પણ કરવાની જરૂર છે જેથી કરીને ચોરીના બનાવો બનતા અટકે તેમજ સિમ વિસ્તારમાં કેબલ ચોરી કરતા તસ્કરોને કાયદાનું ભાન થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
Source link