South star : સાઉથ સ્ટાર દુલ્કર સલમાન-પૃથ્વીરાજ સુકુમારનના ઘરે કસ્ટમ્સના દરોડા, જાણો શું છે મામલો

ઓપરેશન ‘નુમખોર’ના ભાગરૂપે કસ્ટમ વિભાગે કેરળના જાણીતા અભિનેતાઓ પૃથ્વીરાજ સુકુમારન અને દુલ્કર સલમાન સહિત અનેક કલાકારો અને ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડ્યા છે.
આ કાર્યવાહી ભૂતાનથી કથિત રીતે ગેરકાયદેસર રીતે 100થી વધુ પ્રીમિયમ વાહનોની આયાત કરવાના સંદર્ભમાં કરવામાં આવી છે. આ વાહનો ટેક્સ ભર્યા વિના ભારતમાં લાવવામાં આવ્યા હતા અને કેરળમાં વેચવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં 20થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરાઈ
કસ્ટમ અધિકારીઓ અનુસાર આ ગેરકાયદેસર વ્યવહારમાં સેકન્ડ હેન્ડ SUV કારો ભૂતાનથી ભારતમાં લાવીને ટેક્સ ચૂકવ્યા વગર કેરળના ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વેચવામાં આવી હતી.
આ મામલે કોચી, તિરુવનંતપુરમ, કોઝિકોડ, મલપ્પુરમ, કુટ્ટીપુરમ અને ત્રિશૂર સહિત રાજ્યભરમાં 20થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
રોડ માર્ગે અથવા કન્ટેનરમાં સરહદી રાજ્યોમાં લઈ જવાતી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ આ મોંઘી SUVsને રોડ માર્ગે અથવા કન્ટેનરમાં સરહદી રાજ્યોમાં લઈ જવામાં આવતી હતી. પછી હિમાચલ પ્રદેશમાં નકલી દસ્તાવેજો સાથે રજીસ્ટર કરીને તેમને કેરળમાં ઊંચા ભાવે વેચવામાં આવતી હતી. આ રેકેટમાં મુખ્યત્વે વપરાયેલા વાહનોના ડીલરો, એજન્ટો અને વચેટિયાઓ સામેલ છે.