પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન અપેક્ષા કરતાં અત્યંત વિરોધાભાસી રહ્યું હતું. ટોક્યો ગેમ્સમાં ભારતે એક ગોલ્ડ સહિત સાત મેડલ્સ જીત્યા હતા પરંતુ પેરિસમાં સંખ્યા ઘટીને છની હતી. પેરિસમાં ભારતે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકના ફ્લોપ શૉ બાદ હવે સરકારની સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી એક્શન મોડમાં આવી ગઈ છે.
સરકાર ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ) અંગે આકરાં નિર્ણય લેશે અને અનેકની બાદબાકી થાય તેવી સંભાવના છે. ભારતીય એથ્લેટ્સ માટે હવે ટોપ્સમાં સ્થાન મેળવવાનું આસાન રહેશે નહીં. મિશન ઓલિમ્પિક સેલ (એમઓસી) આ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. સમિતિના બે સભ્યોએ જણાવ્યું હતુ કે આગામી સપ્તાહમાં નવા પસંદગીના માપદંડ અંગે નિર્ણય લેવામાં આવશે પરંતુ ખેલાડીઓને અપાતા ફંડિંગમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.
ભારતના 300 એથ્લેટ્સને ટોપ્સ હેઠળ નાણાકીય સહાય મળે છે. એમઓસીના એક અધિકારીએ જણાવ્યું હતું કેજો પસંદગીના નિયમો આકરાં બનાવવામાં આવશે તો ખેલાડીઓની સંખ્યા અડધી 150 સુધી પહોંચી જશે. એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જે એથ્લેટ્સ મેડલ માટેની મજબૂત દાવો રજૂ કરશે તેને ટોપ્સ સ્કીમનો હિસ્સો બનાવવામાં આવે. જોકે કેટલાક સભ્યો આ પ્રસ્તાવથી સહમત નથી. તેમનું માનવું છે કે નવા નિયમોના કારણે ઘણા ખેલાડીઓ સ્કીમની બહાર થઈ જશે. પેરિસ ગયેલા એથ્લેટ્સે હજુ ખર્ચના બિલ મૂક્યા નથી
2028ની ઓલિમ્પિક સર્કલ માટે જે નવા ખેલાડીઓને સ્કીમમાં સામેલ કરવામાં આવશે તેમણે પ્રત્યેક બાબતે પારદર્શી બનવું પડશે. ઘણા એથ્લેટ્સના ખર્ચા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા એથ્લેટ્સે હજુ સુધી પોતાના બિલ જમા કરાવ્યા નથી અને લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ બાકી છે. કેટલાક એથ્લેટ્સ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમણે પણ પોતાના ખર્ચનો હિસાબ જમા કરાવ્યો નથી. સમિતિ દ્વારા તપાસ કરાવ્યા બાદ જ તેમને નાણાં આપવામાં આવ્યા હતા.
Source link