શ્રીલંકા ક્રિકેટ ટીમે રવિવારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને ઇનિંગ્સ અને 154 રને હરાવીને ટેસ્ટ સિરીઝ 2-0થી કબજે કરી લીધી હતી. પ્રથમ દાવમાં માત્ર 88 રનમાં ઓલઆઉટ થયેલી કીવી ટીમ બીજા દાવમાં માત્ર 360 રનમાં સમેટાઈ ગઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર આ સિરીઝ જીતવી શ્રીલંકા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ સાથે ટીમ 15 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી છે. ટીમે છેલ્લે 2009માં કિવિઓ સામે ટેસ્ટ સિરીઝ જીતી હતી.
બ્લંડેલ-ફિલિપ્સે શ્રીલંકાની ટીમની જીતની રાહ લંબાવી હતી
મેચના ચોથા દિવસે ટોમ બ્લંડેલ અને ગ્લેન ફિલિપ્સની ફિફ્ટી અને મિશેલ સેન્ટનરના અણનમ 48 રનની મદદથી ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને જીતની રાહ જોવડાવી હતી. શ્રીલંકા માટે નિશાન પેરિસે બીજા દાવમાં છ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે દિવસની શરૂઆત 199-5ના સ્કોરથી કરી હતી. બ્લંડેલ અને ફિલિપ્સની જોડીએ છઠ્ઠી વિકેટ માટે 95 રન જોડ્યા હતા. પેરિસે આ ખતરનાક જોડી તોડી હતી.
મિશેલ સેન્ટનરે પણ ફિફ્ટી ફટકારી હતી
અહીં બ્લંડેલ રિવર્સ સ્વીપ ચૂકી ગયો અને 60 રન બનાવીને LBW આઉટ થયો. તેની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સનો સમાવેશ થાય છે. આ પછી ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરે સકારાત્મક બેટિંગ કરી હતી. ફિલિપ્સે આ સમયગાળા દરમિયાન ઝડપી બેટિંગ કરી અને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પેરિસે પણ તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. કેપ્ટન ટિમ સાઉથી અલગ ઈરાદા સાથે આવ્યો હતો. તેણે પ્રભાત જયસૂર્યાની બોલ પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી, પરંતુ તે ડાબા હાથના સ્પિનરે બોલ્ડ થયો હતો. ન્યુઝીલેન્ડનો દાવ 360 રન પર સમાપ્ત થયો હતો.
શ્રીલંકાનો પ્રથમ દાવમાં પહાડ જેવો સ્કોર
આ પહેલા શ્રીલંકાએ કામિન્દુ મેન્ડિસ, દિનેશ ચાંદીમલ અને કુશલ મેન્ડિસની સદીના આધારે પ્રથમ દાવમાં 602 રન બનાવ્યા હતા. આ સ્કોરનાં જવાબમાં કિવી ટીમ માત્ર 88 રન પર જ સિમિત રહી હતી. આ રીતે શ્રીલંકાને પ્રથમ દાવમાં 514 રનની લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે સૌથી વધુ 29 રનની ઇનિંગ રમી હતી. પ્રભાત જયસૂર્યાએ કીવી ટીમની કમર તોડવા મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે સૌથી વધુ છ વિકેટ ઝડપી હતી. તેમના સિવાય નિશાન પેરિસને ત્રણ વિકેટ મળી હતી.
Source link