ભારતીય શેરબજાર આજે એટલે કે, 13 સપ્ટેમ્બરે શુક્રવારે ફલેટ બંધ થયું હતું. સવારે માર્કેટ 150થી વધુ પોઈન્ટ તૂટીનો ખુલ્યો હતો. સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું. સેન્સેક્સ-નિફ્ટીમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ આજના સેશનમાં બજારમાં બે નવા રેકોર્ડ બન્યા હતા. મિડ-કેપ શેરોમાં ખરીદીને કારણે, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 60 હજારના આંકને વટાવી ગયો છે અને 60189.35ની ઓલટાઈમ સપાટીએ પહોંચ્યો છે. સ્મોલ-કેપ શેરોમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સની 19 અને નિફ્ટીની 32 કંપનીઓના શેર ઘટ્યા હતા
આજે શુક્રવારે સેન્સેક્સની 30માંથી 11 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 19 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 18 કંપનીઓના શેર્સ ઉછાળા સાથે અને 32 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા હતા.
માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર
મિડ-કેપ, સ્મોલ-કેપ સહિતના બેન્કિંગ આઈટી શેરોમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 468.80 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જ્યારે છેલ્લા સત્રમાં તે રૂપિયા 467.36 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 1.44 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
ગઈકાલે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે સેન્સેક્સે 83,116ની નવી ઓલ-ટાઇમ હાઈ અને નિફ્ટીએ 25,433ની સપાટી બનાવી હતી. જો કે, પાછળથી આ બંને ઇન્ડેક્સ સહેજ નીચે આવ્યા અને સેન્સેક્સ 1,439 પોઈન્ટ વધીને 82,962 પર અને નિફ્ટી 470 (1.89%) પોઈન્ટ વધીને 25,388 પર બંધ થયો.
Source link