સુરેન્દ્રનગર શહેરની આર.પી.પી.ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓ છેલ્લા કેટલાક દિવસોથી રોડ સાઈડ અડિંગો જમાવતા રોમીયોના ત્રાસથી પરેશાન થઈ ગઈ છે.
આ અંગે વાલીઓને જાણ થતા બે છાત્રાઓને લઈને વાલીઓ ગુરૂવારે બપોરે શહેરના એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ કરી હતી.
આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ આવેલી છે. જયાં ધો. 9થી 12 સુધીની ગરીબ અને મધ્યમ વર્ગની દિકરીઓ અભ્યાસ કરે છે. છેલ્લા થોડા સમયથી શાળાએ જતી છાત્રાઓ કેટલાક આવારા તત્વોની રોમીયોગીરીથી પરેશાન થઈ ગઈ છે. ગુરૂવારે સવારે બે છાત્રાઓના વાલીઓ દીકરીઓને સાથે લઈને એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને પોલીસને વિગતો જણાવતા જણાવ્યુ કે, અમો નવા જંકશન વિસ્તારમાં રહીએ છીએ. શાળાએ જવાના સમયે આ વિસ્તારમાં રહેતા 4 યુવાનો અમારી દિકરીઓ પાછળ-પાછળ જાય છે. અને શાળાના ગેટ સામે ઉભા રહે છે. જયારે શાળા છુટવાના સમયે પણ તેઓ પહોંચી જાય છે. છેલ્લા થોડા દિવસોથી બનતી આ ઘટનાના લીધે દિકરીઓ ઘરે સુનમુન રહેતી હતી. ગુરૂવારે આ અંગેની જાણ વાલીને થતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવી રોમીયોગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને શાળા શરૂ થવાના સમયે તથા શાળા છુટવાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા માંગ કરી હતી.
Source link