પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે દિલ્હીમાં શાળાના બાળકો સાથે સાફ સફાઇ કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ લોકોને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી હતી જેને લઇને બાળકોએ પોતાના અનુભવ શેર કર્યા છે.
જાણે ઘરના કોઇ વડીલ હોય : વિદ્યાર્થીની
પીએમ મોદી સાથેનો અનુભવ શેર કરતા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે પીએમ મોદીને મળવા અમે ઉત્સુક હતા. અમને લાગતુ ન હતું કે તેઓ અમારી સાથે વાત કરશે. તેમણે જ્યારે અમારી સાથે વાત કરી તો અમને એવુ જ લાગ્યુ કે જાણે તેઓ અમારા ઘરના વડીલ હોય. તેમણે સ્વચ્છતા જાળવવા માટે બાળકોને જણાવ્યું. કહ્યુ કે કોઇ મોટું આવી રહ્યું છે તેવી ખબર હતી પણ અમે જાણતા ન હતા કે તેઓ પીએમ મોદી છે. તેમને મળીને ઘરના મોટા વ્યક્તિને જાણે મળ્યા હોઇએ તેવુ લાગ્યું. તેમણે ઘર અને શાળાની આસપાસ સ્વચ્છતા જાળવવા અમને કહ્યું. શૌચાલય તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઇને પણ અમને માહિતી આપી.
દિલ્હીની શાળામાં વિદ્યાર્થીઓને મળ્યા પીએમ મોદી
મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદી પંડારા રોડ સ્થિત NDMC નવયુગ સ્કૂલમાં પહોંચ્યા હતા. સ્વચ્છતા અભિયાન અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે એક કાર્યક્રમ પણ સંબોધિત કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે જે ભારતનું સપનું ગાંધીજી અને દેશની મહાન હસ્તીઓએ જોયું હતું, આવો આપણે સૌ સાથે મળીને એ સપનું પૂરું કરીએ. આજનો દિવસ આપણને આ પ્રેરણા આપે છે. આજે સ્વચ્છ ભારત મિશનની સફર 10 વર્ષના સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે.
સ્વચ્છતા મિશન જેટલુ સફળ થશે તેટલો દેશ ચમકશે- પીએમ મોદી
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે સ્વચ્છતા સંબંધિત લગભગ 10 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત અંતર્ગત દેશના અનેક શહેરોમાં વોટર અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. નમામિ ગંગે સંબંધિત કામ હોય કે કચરામાંથી બાયોગેસ બનાવતા ગોબર ઘન પ્લાન્ટ, આ કામ સ્વચ્છ ભારત મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે. પીએમ મોદીએ સ્વચ્છતા મિશનમાં ભાગ લેનાર સ્વચ્છતા કાર્યકરો, ધાર્મિક નેતાઓ, રમતવીરો, સેલિબ્રિટીઓ, એનજીઓ સહિત તમામ લોકોની પ્રશંસા કરી હતી.