- વિદ્યાર્થી નેતાએ કહ્યું-કેતન ઉપાધ્યાયનું મોં કાળું કરીશ
- વિદ્યાર્થિની રડી પડી, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડી
- સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે
વડોદરા શહેરની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા જ કરવામાં આવી નથી. જેના પગલે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોના પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે વાલીઓ-વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયેલા છે. આજે કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ નેતાઓ અને વાલીઓએ મળીને વિરોધ પ્રદર્શન કરેલ. એક વિદ્યાર્થિની તો એડમિશન ન મળવાને કારણે રડવા લાગી હતી અને તેની તબિયત પણ લથડી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમયે ત્રણ વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
700 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી
વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવે તેવી માગ સાથે કોમર્સ ફેકલ્ટીના મુખ્ય બિલ્ડિંગમાં ડીનની ઓફિસની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી 6500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે 7200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.આમ છતાં 700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.
પોલીસે વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી
ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી, હર્ષિલ વાઘેલા અને તુફાન જોશીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
Source link