GUJARAT

Surat: વધુ એક રત્ન કલાકારે આર્થિક તંગીથી આપઘાત કર્યો, નદીમાંથી મળ્યો મૃતદેહ

સુરતમાં હીરા મંદીના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. 70% જેટલા હીરાના કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ જે કારખાનાઓ ચાલી રહ્યા છે. તેમાં રત્ન કલાકારોને દિવસમાં 2-3 કલાક જ કામ મળતું હોવાથી આર્થિક તંગી સર્જાઈ છે. દિવાળી પહેલા જ અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા.

દિવાળી બાદ કામ છૂટી ગયું હતું

ત્યારે દિવાળીનું વેકેશન પડતાં દિવાળી બાદ પણ અનેક કારખાનાઓ આજે બંધ હાલતમાં છે. રત્ન કલાકારો બેરોજગાર બની જતા આપઘાત તરફ વળી રહ્યા છે. સુરત શહેરમાં જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર સુધી 48 રત્ન કલાકારોએ આર્થિક તંગીના લીધે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે. વિજયા નગરમાં રહેતા 25 વર્ષીય અનિકેત દીપક ઠાકુરે તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે જણાવ્યું હતું કે અનિકેતને દિવાળી બાદ કામ છૂટી ગયું હતું. દિવાળી બાદ છેલ્લા કેટલાક સમયથી તે નોકરીની શોધમાં રહેતો હતો.

તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો

ગત રવિવારના રોજ બાઈક લઈને ઘરેથી નોકરીની શોધમાં જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો. યુવક સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારના લોકો અનિકેતની શોધમાં લાગી ગયા હતા. ત્યારબાદ પરિવારે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને અનિકેત ગુમ થયો હોવાની જાણ કરી હતી. ગત રોજ રાત્રે તાપી નદીના સ્વામી વિવેકાનંદ કેબલ બ્રિજ નજીકથી રત્ન કલાકાર અનિકેતની બાઈક મળી આવી હતી, ત્યારબાદ ગત રાત્રે તાપી નદીના સ્વામી વિવેકાનંદ બ્રિજ નજીક પાણીમાંથી અનિકેતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પરિવારને જાણ કરતા પરિવારના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

ઘરમાં આર્થિક તંગી સર્જાતા રત્નકલાકાર હતાશામાં રહેતો

રત્ન કલાકાર અનિકેત મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને છેલ્લા કેટલાક વર્ષથી માતા-પિતા અને બહેન સાથે સુરતના વિજયા નગરમાં રહેતો હતો. પાંચ વર્ષની રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરંતુ દિવાળી બાદ નોકરી છૂટી જતા ઘરમાં આર્થિક તંગી સર્જાતા રત્નકલાકાર હતાશામાં રહેતો હતો. રત્ન કલાકારના પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓની સારવાર પણ ચાલી રહી હતી અને બીજી બાજુ રત્નકલાકાર બેરોજગાર હોવાથી આર્થિક તંગીના લીધે સતત નોકરીની શોધમાં રહેતો હતો. પરંતુ યુવક રત્ન કલાકારને નોકરી નહીં મળતા આખરે તેણે તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો છે.

સરકાર મદદ કરે તેવી માગ

સુરત શહેરમાં વધી રહેલા રત્ન કલાકારોના આપઘાત અને બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે આર્થિક સહાયતાની પણ માગો ઉઠી છે. વિવિધ રત્ન કલાકાર સંઘ અને રાજકીય વિરોધ પક્ષ પાર્ટી દ્વારા સરકારને પત્ર લખી રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માગ કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં અંદાજિત 48 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા હોવાની વાત સામે આવી છે તો કેટલાક રત્ન કલાકારો બીજા ધંધા અને રોજગાર તરફ વળી ગયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button