GUJARAT

Surat: સાયબર માફિયાને એકાઉન્ટ ભાડે આપવાનું નેટવર્ક ચલાવી યુવાન કરોડપતિ બની ગયો

  • 29 બેન્ક કિટ, 07 સીમ સહિત 17.28 લાખની મતા કબજે કરાઇ
  • MSMEના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફિશિંગ ગેંગને સપ્લાયનું કૌભાંડ આચર્યું
  • અવનીત ચીટર ટોળકીને 25 હજારથી 2 લાખ સુધીના ભાડામાં એકાઉન્ટ મેનેજ કરી આપતો હતો

દેશભરમાં લોકો સાથે ફ્રોડ કરતી ફિશિંગ તથા ગેમિંગ એપ ઓપરેટ કરતી ગેંગને લોકો પાસેથી ભાડે બેન્ક એકાઉન્ટ તથા સિમકાર્ડ મેળવી પૂરા પાડવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસે સૂત્રધાર સહિત બેને ઝડપી લેતાં 29 બેન્ક કિટ, 07 સિમ સહિત 17.28 લાખની મતા કબજે કરી હતી. સ્મોલ બિઝનેસ માટે સરકારની MSME યોજનાના ઓનલાઇન કાર્ડ બનાવી તેને આધારે કરંટ બેન્ક એકાઉન્ટ બનાવી ફ્રોડ કરતી ગેંગ્સને આપવામાં આવ્યા હતા.

કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાએ ટીમ સાથે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી નંબર વિનાની સ્કોર્પિયો કાર લઇને ઊભેલા કઠોદરાના ઓમ પ્લાઝામાં રહેતા અને સાવરકુંડલાના ભૂવા ગામના વતની અવનીત ભૂપત ઠુમ્મર (ઉં.વ. 21) અને તેના 21 વર્ષીય સાગરીત આયુષ વિપુલ વસોયા (રહે. શક્તિલેક સોસાયટી, નનસાડ, કામરેજ- મૂળ રહે, મોરવાળા ગામ, અમરેલી)ને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની ઝડતી લેતાં અલગ અલગ વ્યક્તિઓના પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ સાથેની 29 બેન્ક કિટ, 07 સિમકાર્ડ, 12 આધાર-પાનકાર્ડ, 10 બનાવટી પેઢી કરાર, 12 રબર સ્ટેમ્પ, 04 બારકોડ સ્કેનર, 01 કેશ કાઉન્ટર મશીન તથા એક નંબર વિનાની સ્કોર્પિયો કાર સહિત 17.28 લાખની મતા કબજે કરી હતી. દેશભરમાં સાઇબર ફ્રોડ અને ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી કરતી ફિશિંગ ગેંગને બેન્ક કિટ અને સિમકાર્ડ પૂરા પાડવાના સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અવનીત ઠુમ્મર છે. અવનીત ચીટર ટોળકીને 25 હજારથી 2 લાખ સુધીના ભાડામાં એકાઉન્ટ મેનેજ કરી આપતો હતો. ઝડપથી અને એક કરોડ વધુની રકમ જમા કરાવી શકાય તે માટે અવનીત સરકારની MSME યોજનાનો ગેરલાભ ઉઠાવતો હતો. આ યોજના હેઠળ સરળતાથી SBI બેન્કમાં કરંટ ખાતું ખૂલી જતું હોવાની સાથે તે વધુ દિવસો માટે સક્રિય રહેતું હોવાથી તેનો દુરુપયોગ થતો હોવાનું બહાર આવતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. સમગ્ર કૌભાંડ તે એક વર્ષથી કરતો હતો. જેમાં એ એકાદ કરોડ રૂપિયા કમાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

માતાને 22 લાખના દાગીના, નંબર માટે ચાર લાખ ખર્ચ્યા

અવનીત દોઢ વર્ષ પહેલાં રત્નકલાકાર હતો. બાદમાં ઓનલાઇન કાપડમાં ઝંપલાવ્યું હતું. ઇન્સ્ટાથી રાજસ્થાનના જયપુરના યશના સંપર્કમાં આવ્યો હતો. તેને મળવા એક વર્ષ પહેલાં તે દિલ્હી ગયો હતો. અત્યાર સુધી તે 45થી વધુ એકાઉન્ટ પૂરા પાડી ચૂક્યો છે. એક વર્ષમાં તે કરોડપતિ બની ગયો હતો. માતા માટે 22 તોલા દાગીના, પોતાની માટે ત્રણ તોલાની ચેઇન, પાંચ ગ્રામની ચાર વીંટી ખરીદી હતી. ક્રેટા કારની નંબર પ્લેટમાં ત્રણ નંબર લેવા હરાજી બોલી ચાર લાખમાં ગોલ્ડન નંબર લીધો હતો. એક મહિના પહેલાં સ્કોર્પિયો લીધી હતી. જેની ગોલ્ડન સિરીઝ મેળવવા 51 હજાર રૂપિયા ડિપોઝિટ આરટીઓમાં ભરી હતી.

સૂત્રધાર યશને કિટ આપવા ફ્લાઇટથી જયપુર જતો

યશે આ ગોરખધંધો શીખવ્યો હતો. તેની સાથે તે એક જ વખત રૂબરૂ મળ્યો હતો. બેન્ક એકાઉન્ટ ભાડે આપવા પર તેને કમિશનની ઓફર કરી હતી. ગરજાઉ વ્યક્તિઓ પાસેથી બેન્ક કિટ કે સિમકાર્ડ લીધા બાદ તે અમદાવાદથી બાય ફ્લાઇટ જયપુર જતો. યશનો સાગરીત હોટેલમાં આવી આ કિટ લઇ જતો. તે છ વખત જયપુર ગયો હતો.

એકાઉન્ટમાં જમા થાય તેનું એક ટકા કમિશન USDTથી લેતો

ફિશિંગ ગેંગને આપેલા બેન્ક એકાઉન્ટમાં જેટલા પણ નાણાં જમા થતાં તેના એક ટકા કમિશન અવનીતને મળતું હતું. પાંચ કરોડ સુધીની રકમ જમા થઇ શકે તે માટે અવનીતે કોર્પોરેટ એકાઉન્ટ ભાડે લેવા વિચાર્યું હતું. તે માટે આયુષને સાથી બનાવી ત્રણથી ચાર વ્યક્તિઓને પાર્ટનરશિપ ડીડ તૈયાર કરી GST નંબર વિના જ પાંચ કરોડની લિમિટવાળા એકાઉન્ટ ખોલવા આવી દસ બોગસ પેઢી બનાવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button