બોગસ બિલો બનાવી કરોડોની ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડવાના ચકચારી કૌભાંડમાં ઇકો સેલે ભાવનગરના સ્ક્રેપના વેપારીની ધરપકડ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે બે વર્ષ પહેલાં ઓક્ટોબર માસમાં ક્રાઇમ બ્રાંચમાં બનાવટી દસ્તાવેજોના આધારે એ.બી.એન્ટરપ્રાઇઝ, બારીયા એેન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ, જય અંબે એન્ટરપ્રાઇઝ, એમ.ડી.ટ્રેડિંગ, મકવાણા એન્ટરપ્રાઇઝ, એમ.ડી.એન્ટરપ્રાઇઝ, એસ.જી.એન્ટરપ્રાઇઝ જેવી ડમી પેઢી બનાવવાનું તથા બનાવટી પેઢીઓના નામે જીએસટી લાઈસન્સ મેળવી બેંક એકાઉન્ટ ખોલાવાયા હતા.
સરકારના ધારાધોરણો મુજબ ટેક્ષ ક્રેડિટ મેળવવા ખોટા બિલો બનાવી ડમી બેંક એકાઉન્ટમાં કરોડોની રકમના ટ્રાન્જેક્શનો કરી સરકારને ચૂનો ચોપડતું કૌભાંડ આચરાયું હતુ. જે અંગે તપાસ કરાતા વીજ કંપનીના ખોટા લાઇટ બીલો, રજીસ્ટ્રેશન સર્ટિ.માં અપલોડ કરેલા ફોટો તથા આધારકાર્ડનો ફોટો અલગ વ્યક્તિનો હોવાનું તથા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી ડમી વ્યક્તિઓના નામ, ફોટાનો ઉપયોગ કરી ડમી વ્યક્તિના નામે જીએસટી નંબર મેળવાયો હતો. ચકચારી આ પ્રકરણમાં ઇકો સેલે અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ જેવા અલગ-અલગ શહેર-જિલ્લામાંથી 21 આરોપીને પકડી પાડયા હતા. દરમિયાન આ કેસમાં ગતરોજ ઇકો સેલે રીયાઝ ગફાર રાયતા (ઉ.વ.35, રહે- સ્ટાર રેસિડન્સી, ભાવનગર)ને પકડી લેવાયો હતો. સ્ક્રેપના વેપારી રિયાઝના 4દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીએ ખોટી પેઢી થકી એસ.જી.એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રૂા.37 કરોડના બિલોની હેરાફેરી કરી હતી.
Source link