સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. તાવ અને ઝાડા-ઊલટીની બીમારીમાં સપડાયેલા વધુ એક 9 મહિનાના બાળકનું મોત થયું છે. છેલ્લા 48 કલાકમાં ત્રણ માસૂમનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. એમાં એક 9 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. પરિવારના એકના એક દીકરાનું અણધાર્યું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
રોગચાળાને કારણે મોતનો આંક વધ્યો
સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં વધારો થતાં વોર્ડની બહાર બેડ મૂકીને સારવાર ચાલી રહી છે. રોગચાળાને કારણે હવે મોતનો આંક પણ ધીરે-ધીરે વધી રહ્યો છે.
તાવની સાથે શરદી-ઉધરસ થતાં તબિયત વધારે બગડી
મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદ ગરવાલ પત્ની તથા 9 માસના પુત્ર ચિરાગ સાથે હાલમાં વેસુ ખાતે આવેલી નવી બંધાતી સાઈટ પર રહે છે અને ત્યાં જ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેમના માસૂમ પુત્ર ચિરાગને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો. જ્યારે ગઈકાલે તેને તાવની સાથે શરદી-ઉધરસ પણ થઇ ગઈ હતી અને સાંજે તેની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, જેથી પરિવારજનો તેને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
શ્રમજીવી દંપતીએ એકના એક વહાલસોયાને ગુમાવ્યો
ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ માસૂમ ચિરાગને મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતને પગલે માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. રોજીરોટી માટે પોતાનું વતન છોડીને સુરત શહેરમાં આવેલા શ્રમજીવી દંપતીને પોતાના એકના એક વહાલસોયા પુત્રને ગુમાવવાનો વારો આવ્યો હતો.
જયપુરથી ઘરે આવ્યો ને તબિયત બગડતાં મોત
બીજા બનાવમાં મૂળ રાજસ્થાન જયપુરના વતની નિલેશ ઉત્તમચંદ માલપાની (43 વર્ષ) હાલ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. તેઓ રિંગ રોડ ખાતે આવેલા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા હતા. 10 સપ્ટેમ્બરે તેઓ પોતાના વ્યવસાયના કામ માટે જયપુર ખાતે ગયા હતા. શનિવારે સવારે જયપુરથી ઘરે પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ નિલેશને તાવ આવવાની સાથે પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી થયાં હતાં. સાંજે તેમની તબિયત લથડતાં પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પેટમાં દુખાવો થતાં સિવિલમાં દાખલ ને સારવાર દરમિયાન મોત
ત્રીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાંડેસરા ક્રિષ્ના નગર સોસાયટીમાં 72 વર્ષીય વિરેન બારખું જયસ્વાલ રહેતા હતા. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે મધરાત્રે તેમને પેટમાં દુખાવો થતાં ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં, જેથી પરિવારજનો તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સપ્ટેમ્બરમાં 85 મલેરિયા અને 49 ડેન્ગ્યૂના કેસ નોંધાયા
સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 85 મલેરિયા 49 ડેન્ગ્યૂના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે. જયસુખ વાગડિયા (સુરત મહાનગરપાલિકા નાયબ આરોગ્ય અધિકારી)એ જણાવ્યું હતું કે ગત મહિનામાં 26 લાખ ઘરનો સર્વે થયો હતો. એમાંથી 66 હજાર ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યાં હતાં. ચાલુ મહિનામાં 12 લાખ ઘરનો સર્વે કરાયો છે. 4,500 ઘરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન આઇડેન્ટિફાઈ થયાં હતાં. 39 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
સર્વેમાં તાવના 16,000 કેસ સામે આવ્યા 39 લાખ ઘરમાં બે મહિનામાં સર્વે થયો છે. આ સર્વેમાં તાવના 16,000 કેસ સામે આવ્યા છે. 886 લોકોની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યાં હોય એવા 9000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. હાલ લોકપ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે એટલે દરેક લોકપ્રતિનિધિને સવારે કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં એ બાબતે પૂછવામાં આવશે.
Source link