કુદરતી આપત્તિ કે આગ જેવી આકસ્મિક ઘટનાના સમયે આર્થિક નુકસાનીથી બચવા માટે ઔદ્યોગિક એકમો દ્વારા ઈન્સ્યોરન્સ પોલિસી કઢાવવામાં આવતી હોય છે. ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે એટલે કે, 1લી જાન્યુઆરી, 2025થી 5 કરોડથી વધુની ફાયર ઈન્સ્યોરન્સ પોલિસી મોંઘી થઈ છે.
અગાઉ પોલિસી પર 90થી 95 ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાતું હતું
દુકાન, ઓફિસ, ગોડાઉન, ઈન્ડસ્ટ્રી સહિતના ઔદ્યોગિક એકમોમાં કઢાવવામાં આવતી ફાયર ઈન્સ્યોરન્સ પોલિસી પર અગાઉ અપાતું ડિસ્કાઉન્ટ આ વર્ષથી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ પોલિસી પર 90થી 95 ટકા જેટલું ડિસ્કાઉન્ટ અપાતું હતું, જે ડિસ્કાઉન્ટ હવે નહીં આપવા માટે જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ- રિઇન્સ્યોરન્સ (GIC-RE)એ તમામ કંપનીઓને આદેશ આપતા તેનું ભારણ સીધું પોલિસીના પ્રીમિયમ પર જોવા મળી રહ્યું છે.
3 પ્રકારની ઈન્સ્યોરન્સ પોલિસી નીકળે છે
ઔદ્યોગિક એકમો માટે 3 પ્રકારની ઈન્સ્યોરન્સ પોલિસી નીકળે છે. જેમાં ભારત સૂક્ષ્મ ઉદ્યમ સુરક્ષા પોલિસી (5 કરોડથી નીચે), ભારત લઘુ ઉદ્યમ સુરક્ષા પોલિસી (5 કરોડથી 50 કરોડ સુધી) અને સ્ટેન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશિયલ પેરિલ પોલિસી (50 કરોડથી ઉપર)નો સમાવેશ થાય છે. ભૂતકાળમાં કોઈ વીવિંગ એકમ દ્વારા 10 કરોડની ઈન્સ્યોરન્સ પોલિસી કાઢવામાં આવી હોય તો તેને આશરે 39,000નું પ્રીમિયમ અને જીએસટી અલગથી ભરવા પડતા હતા, પરંતુ હવે, 1લી જાન્યુઆરી, 2025થી આવા એકમોને 10 કરોડની પોલિસી પર આશરે 1.34 લાખનું પ્રીમિયમ અને જીએસટી અલગથી ભરવું પડશે.
છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ઈન્ડસ્ટ્રીમાં ક્લેમ રેશિયો હાઈ
ચેમ્બ૨ના સેક્રેટરી અને ઈન્સ્યોરન્સના વ્યવસાય સાથે સંકળાયેલા નીરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, નવા વર્ષના આરંભ સાથે ફાયર ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધ્યું છે. પોલિસીનું જે પ્રીમિયમ વધ્યું છે તે રેટ વધવાને કારણે વધ્યું નથી. અગાઉ પણ ફાયર ઈન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધારે જ હતું, પરંતુ કંપનીઓ 90થી 95 ટકા ડિસ્કાઉન્ટ આપતી હતી. તેને લીધે પ્રીમિયમ ઓછું આવતું હતું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી દેશમાં કુદરતી આપત્તિ અને આગના બનાવોને લીધે ઈન્ડસ્ટ્રીમાં ક્લેમ રેશિયો હાઈ થયો છે. જેથી જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ-રિઈન્સ્યોરન્સ (GIC-RE)ની નવી ગાઈડલાઈને કારણે હવે કોઈપણ કંપની ડિસ્કાઉન્ટ આપી શકશે નહીં. જેની અસર પ્રીમિયમના રેટ પર દેખાઈ રહી છે. આ મુદ્દે ચેમ્બર દ્વારા આગામી દિવસોમાં રજૂઆત પણ કરવામાં આવશે.
Source link