સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા ઠુંમર પરિવારની 6 દિવસની બ્રેઈનડેડ બાળકીનું અંગદાન કરવામાં આવ્યું હતું. બંને કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હતું. આમ નાની વયે અંગદાન થયું હોવાનો દેશમાં આ ત્રીજો કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે.
મૂળ રાજકોટ ઉપલેટાના ઢાંક ગામના વતની અને હાલ વેલંજા વિસ્તારની સુખશાંતિ સોસાયટીમાં રહેતા મયુર ઠુંમર પ્લમ્બરનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં પત્ની મનિષાબેને ગત તા. 23મીએ રાત્રે કામરેજની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. વધુ સારવાર માટે બાળકીને ડાયમંડ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં નવજાત બાળકીને NICU વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકીને બ્રેઈનડેડ જાહેર કરી હતી. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. બાળકીના પરિવારને અંગદાન વિષે સમજણ આપી હતી. જે બાદ પરીવાર સહમત થયો હતો. પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી, રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાઈ હતી. સોટો ગુજરાત દ્વારા લીવર સુરતના 14 મહિનાના બાળકને, અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ તથા ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અમદાવાદને દાન આપવામાં આવ્યું હતું. બાળકીના બંને કિડની, લીવર, અને બંને આંખના દાન કરવામાં આવ્યાં હતાં.
Source link