સુરતમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે અને નદીના આ રૌદ્ર રૂપ સામે જનતા લાચાર બની છે અને કઠોદરા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે અને અમન પાર્ક સોસાયટીમાં પાણી ફરી વળતા ગામથી સોસાયટીનો સંપર્ક કપાયો છે.
ગામમાં પાણી ફરી વળતા સોસાયટીનો સંપર્ક કપાયો
કીમ નદીના પાણી અમન પાર્કમાં ઘુસી જતા ઘરનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. ત્યારે એક તરફ વરસાદ અને બીજી તરફ કીમ નદીના પાણી અને રાતનું અંધારૂ લોકો માટે મુસીબત બન્યું છે અને પાણી ભરાતા સોસાયટીના લોકો પોતાના ઘરોમાં જ કેદ થયા છે. ત્યારે 48 કલાક બાદ પણ પીવાનું પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
ગઈકાલે પણ ફાયર વિભાગે 30 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું
તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ કીમ નદીના પાણી ભરાઈ જવાના કારણે મોટા બોરસરા ગામે નીચાણવાળા વિસ્તારમાંથી ફાયર ફાઈટરની ટીમ દ્વારા 30 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું અને તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા હતા. આ સિવાય પણ સુરતમાં અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા અને મોસાલી-કોસંબા માર્ગે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. અનેક વ્હીકલોમાં પાણી ભરાઈ જવાના કારણે ટુ-વ્હીલર બંધ પડ્યા હતા અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વડોદરાના શિનોર તાલુકામાં માત્ર 1 કલાકમાં 2 ઈંચ વરસાદ
વડોદરાના શિનોર તાલુકામાં ગઈકાલે માત્ર 1 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા સાધલીમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નગરના મારૂતિ કોમ્પ્લેક્સ, ગ્રૂપ શોપિંગ અને કરિયાણાની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતાં મોટુ નુકસાન થયું છે. દુકાનદારોના જણાવ્યાં મુજબ, આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે અને આ અંગે પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે બપોરથી શરૂ થયેલો વરસાદ આખી રાત વરસતા સાધલીની ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે સાધલી ચોકડી પાસે વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા ચોકડી પર બેરિકેડ મૂકી ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.
Source link