GUJARAT

Surat: વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હીટ એન્ડ રનમાં મોત

સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માત ને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતું ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું. પોલીસ કોન્સ્ટેબલના મોતથી પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

ફરજ પૂરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો

મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ 16 /12/ 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા તે દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર

આ અંગે મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાના કાકા કસ્તુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારો ભત્રીજો સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. ગઈકાલે તે પોતાની ફરજ પૂરી કરી પોતાના ઘરે સુરત જિલ્લાના મહુવા ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં પરત આવ્યો હતો. આ દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. મારા ભત્રીજાની બાઈકને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે તેની બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ગંભીર રીતે તે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર 53 વર્ષ હતી અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતને પગલે પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button