GUJARAT

Surat: સૈયદપુરા ગણેશ પંડાલ પર પથ્થરમારાના આરોપીઓના રિમાન્ડ નામંજૂર

ગત 8 સપ્ટેમ્બર, 2024ના રોજ સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી. આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં જ ચોકીના નજીકના બિલ્ડિંગની આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો. જો કે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાંય પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી, તો લગભગ 600થી વધુ ઈંટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં આ સ્થળ પર ક્યાંથી આવ્યા?

આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પાસેથી મળી આવેલાં પથ્થર અને ઈંટોની વીડિયોગ્રાફી કરી છે. આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે, આ હિંસાની ઘટના સુનોયોજિત કાવતરું હોવાની શંકા જોવા મળી રહી છે.

પાંચ આરોપીએ સૈયદપુરામાં રહેતા હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું

સૈયદપુરા હિંસામાં સામેલ 23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ 23 આરોપીઓના વધુ રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. આ આરોપીઓએ સૈયદપુરામાં રહેતા હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેઓ સૈયદપુરાના જે મકાનમાં સંતાયા હતા તેના માલિકે પણ આ શખસો અહીં જ રહેતાં હોવાનું પોલીસને શરૂઆતમાં જણાવ્યું હતું. આ શખસોને આશ્રય આપવાનો મકાન માલિકનો ઉદ્દેશ શું હતો તે પણ તપાસનો મુદ્દો બન્યો છે.

5 આરોપી પકડાયા ત્યાંથી અઢી કિમી દૂર રહે છે

આ હુમલો ઓચિંતો હતો કે પ્રિ-પ્લાન હતો તેનો ભેદ જાણવા ક્રાઈમ બ્રાન્ચે તમામ 23 આરોપીને અલગ અલગ ઇન્ટ્રોગેટ કરતાં પાંચ આરોપીઓ મયૂદ્દીન ભિખા ઘાંચી, સોએલ રઈસ હવેરી, ફિરોઝ મુખ્તાર શા, અબ્દુલકરીમ રશીદ અહેમદ અન્સારી અને મોહમ્મદઆલમ મોહમ્મદમુસીર શેખ જ્યારે પકડાયા ત્યારે સૈયદપુરામાં રહેતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં તેઓ જ્યાંથી પકડાયા ત્યાંથી અઢી કીમી દૂર રહેતા હતા. એટલું જ નહિ પરંતુ હુમલો કરીને ભાગી શકાય તે માટે તેમનાં વાહનો પણ સૈયદપુરાથી ઘણે દૂર મૂકીને આવ્યા હોવાનું બહાર આવ્યું હોવાનું ડીસીપી બી.પી. રોઝિયાએ જણાવ્યું હતું.

આરોપીઓની વાતો ષડયંત્ર તરફ ઈશારો

આરોપીઓની આ બધી વાતો ષડ્યંત્રની દિશા તરફ પોલીસને દોરી જઈ રહી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ પાંચ શખસ હુમલા બાદ સૈયદપુરાના એક મકાનમાં એકસાથે જ સંતાઈ ગયા હતા અને પોલીસ સમક્ષ પણ ખોટું બોલ્યા હોઇ પોલીસ હવે તેમના મોબાઇલ નંબર અને બીજા સંપર્ક સૂત્રો ચકાસી રહી છે. તેઓ સૈયદપુરામાં કોના કહેવાથી આવ્યા હતા તે દિશામાં તપાસ પોલીસે હાથ ધરી છે.

ઘટના બાદ ટોળું પોલીસ ચોકી ધસી ગયું

વરિયાવી બજારમાં ઊભો કરવામાં આવેલો ગણેશ પંડાલમાં 6 કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે, એ કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઇ ભારે વિરોધ શરૂ થઈ ગયો. રાજકારણીઓ પણ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો.

30 મિનિટમાં જ આટલા પથ્થર ક્યાંથી આવ્યા?

અચાનક જ શરૂ થયેલો આ પથ્થરમારો પોલીસ પણ સમજી શકી નહીં કે 30 મિનિટની અંદર આટલા પથ્થર ક્યાંથી આવ્યા? કારણ કે, ચોકીના 300 મીટરની રેન્જમાં ક્યાંક પણ કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી નથી આ અંગે ખુદ પોતે આરોપીઓના રિમાન્ડ ગ્રાઉન્ડમાં પોલીસે જાણકારી આપી છે. માત્ર એટલું જ નહીં પથ્થરો અને ઈંટના ટુકડાઓ આવ્યા તો અગાસી અને બાલ્કની સુધી પહોંચ્યા કઈ રીતે? અને તે પણ આટલી ઝડપથી? પોલીસ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પોલીસને લાગી રહ્યું છે કે આ સુનિયોજિત કાવતરું છે. આ જ કારણ છે કે પથ્થરબાજી બાદ પોલીસે તમામ સ્થળની વીડિયોગ્રાફી પણ કરાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button