સુરેન્દ્રનગરના દરજીની વાડી વિસ્તારમાં છેલ્લા ર દિવસથી પીવાનું પાણી ન આવતા મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી. ત્યારે જુની લાઈનમાંથી નવી લાઈનમાં જોડાણ આપવાનું હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું પાલિકાના ઈજનેરે જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ હીલોળા ભરી રહ્યો છે. તેમ છતાં પાલિકાના વાંકે અનેક વિસ્તારોમાં પાણીની બુમરાણો ઉઠે છે. છેવાડાના વિસ્તારોમાં તો કાયમ પીવાના પાણીની સમસ્યા રહે જ છે. ત્યારે હવે શહેરની મધ્યમાં આવેલા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉભો થતા મહિલાઓ બપોરે પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી. વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરની પાણીની ટાંકી વાળા રોડ પર આવેલ દરજીની વાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીવાનું પાણી આવતુ નથી. આથી મહિલાઓને તકલીફ પડી રહી છે. જેના લીધે બપોરના સમયે મહિલાઓ રોષે ભરાઈને પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. અને પાલીકાના ઈજનેર કયવંતસીંહ હેરમાને મૌખીક રજૂઆતો કરી હતી.
ઉનાળામાં તો પાણીની સમસ્યા રહે જ છે. ત્યારે શિયાળે પાણીની પારાયણ સર્જાતી હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. આ અંગે પાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, આ વિસ્તારની પાણીની લાઈન જુનીમાંથી નવીમાં ટ્રાન્સફર કરવાની હોવાથી સમસ્યા સર્જાઈ છે. આ માટે ખોદકામ પણ કરી દેવાયુ છે. જુની લાઈનમાંથી નવી લાઈનમાં પાણીનું જોડાણ આપ્યા બાદ સમસ્યા હલ થઈ જશે.
Source link