સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં તા. 16મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ અને તા. 17મી ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે રાજયના અન્ય જિલ્લામાં બનેલી ઘટનાઓ ઝાલાવાડમાં ન બને તે માટે જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. જિલ્લા વિવિધ પોલીસ મથકે બંને કોમના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી.
જયારે પોલીસે ફૂટ પેટ્રોલિંગ થકી ગણેશ પંડાલોમાં જઈ આયોજકો સાથે ચર્ચા કરી હતી. રાજયના અન્ય જિલ્લાઓમાં ઈદ અને ગણેશ મહોત્સવના તહેવારો ટાણે કોમી એકતાને હાનિ પહોંચે તેવી કૃત્ય કરાયુ છે. આ સમાચારોથી સામાન્ય લોકોના માનસમાં અંજપાભર્યુ વાતાવરણ સર્જાયુ છે. ઝાલાવાડમાં પણ તા. 16મીએ ઈદનો તહેવાર આવી રહ્યો છે. અને ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ મહોત્સવ બાદ તા. 17મીને ચતુર્દશીએ ગણેશ વિસર્જનનો દિવસ છે. ત્યારે જિલ્લામાં આવી કોઈ ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. એસપી ડો. ગીરીશ પંડયાએ પોલીસ અકારીઓ અને કર્મચારીઓની સાથે ફુટ પેટ્રોલીંગ કરી ગણેશ પંડાલની મુલાકાત કરી હતી. અને ગજાનના વિસર્જન સમયનો રૂટ સહિતની બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત આવી કોઈ ઘટના બને તો તુરંત પોલીસને જાણ કરવા જણાવ્યુ હતુ. બીજી તરફ જિલ્લાના વિવિધ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી. જેમાં એ ડીવીઝન પોલીસ મથકે ડીવાયએસપી વી.બી. જાડેજા, પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતનાઓએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી અફવાઓ પર ધ્યાન ન દેવા લોકોને જણાવ્યુ છે. આવી અફવા ફેલાવનારાઓને ઝડપી લેવા જિલ્લા ટેકનિકલ ટીમ અને સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સતત વોચ રાખી રહી હોવાનું પણ જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યુ હતુ.
Source link