સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે ઈદ-એ-મીલાદ પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની વીવીધ મસ્જીદ ખાતેથી જુલુસનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાયા હતા.
મુસ્લીમ સમાજના ધર્મગુરૂ મહોમ્મદ પયગંબરના જન્મ દિવસને દર વર્ષે ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે તા. 16ને સોમવારે સમગ્ર દેશ અને રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઈદ-એ-મીલાદની ઉજવણી કરાઈ હતી. જેમાં રવિવારે રાત્રે જ શહેરની વિવિધ મસ્જીદોએ રોશની કરવામાં આવી હતી. જયારે સોમવારે સવારથી જ મુસ્લીમ સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. અને પરીવાર સાથે ઈદની ઉજવણી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના ઘાંચીવાડ, નુરે મહમદી સોસાયટી, લક્ષ્મીપરા, અલંકાર સીનેમા રોડ, રતનપર, વઢવાણ, વીવીધ તાલુકા મથકોએ આવેલી મસ્જીદો પર મુસ્લીમ બીરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ વીવીધ મસ્જીદો ખાતેથી જુલુસનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ પરીવારો નવા વસ્ત્રો પરીધાન કરીને જોડાયા હતા. લખતરના મોતીસર તળાવ ખાતે આવેલ રાજુલશાપીર દાદાએ ફાતીયા પઢીને લોકોની સુખાકારી માટે દુઆ કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ અને ઈદના તહેવાર સાથે આવતા હોઈ જિલ્લામાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ અને વિવિધ તાલુકા મથકોએ જુલુસના રસ્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, સાંજ સુધી જિલ્લામાં કોઈ કાંકરીચાળાનો બનાવ સામે આવ્યો નથી.
Source link