કોમ્યુનીટી કોન્ફરન્સ ઓન કોમન્સ દ્વારા દર વર્ષે ઓનલાઈન પરીષદ યોજાય છે. જેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મલેશીયા, કઝાકીસ્તાન, સ્પેનના લોકોને આમંત્રીત કરાઈ છે.
ત્યારે ગત તા. 4થી ડિસેમ્બરે યોજાયેલી કોન્ફરન્સમાં ઝાલાવાડના ચોટીલા તાલુકાના રેશમીયા ગામની 18 વર્ષીય માલધારી પરિવારની દીકરીએ ભાગ લઈ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.ફાઉન્ડેશન ફોર ઈકોલોજી સિકયોરીટી અને તાતા ઈન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાયન્સ જેવા સંગઠનોના સહયોગથી કોમ્યુનીટી કોન્ફરન્સ ઓન કોમન્સ દ્વારા ઓનલાઈન પરિષદનું આયોજન કરાય છે. જેમાં પ્રાકુતિક સંસાધનો, જૈવીકતા, સંસ્કૃતીના સંરક્ષણ વિશે, નદીઓ, ગૌચર, ભુગર્ભ જળ, મહાસાગર અને તેમાં જોડાયેલ સંસ્કૃતી વિશે ચર્ચા થાય છે. કુદરતના સંરક્ષણના જ્ઞાન અને અનુભવ તેમાં શેર કરાય છે. જેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મલેશિયા, કઝાકીસ્તાન, સ્પેન જેવા દેશોને આમંત્રણ અપાય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલ ઓનલાઈન પરીષદમાં ચોટીલાના રેશમીયા ગામની 18 વર્ષીય મીત્તલબેન ટરમટાએ ગુજરાતમાં પશુઓની રોજિંદી સારસંભાળ માટે વપરાતી પરંપરાગત વનસ્પતિઓ વિશે વાત કરી હતી. મીત્તલ માલધારી પરિવારમાંથી આવે છે અને ગાય, ભેંસ, બકરીઓની સંભાળ રાખે છે. જંગલના છોડ થકી તે પશુઓનો ઉપચાર કરે છે. જેમાં આંકડા, સરોઠી વેલ, ઈંગોરીયો, ગલકા, કળથી, માખણી જેવા છોડો વિશે તેમણે પરિષદમાં વાત રજૂ કરી હતી. ચોટીલાની ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયમાં ધો. 12 સુધીનો અભ્યાસ કરી યુવા વયે વૈશ્વિક પ્રગતિ સાધતા જિલ્લામાં ખુશી સાથે ગૌરવની લાગણી પ્રસરી હતી. ચોટીલામાં કાર્યરત સહજીવન સંસ્થા કે જે પર્યાવરણ અને જૈવિક વિવિધતા સંરક્ષણ પર કામગીરી કરી રહી છે. આ સંસ્થા પાસેથી મિત્તલને પ્રોત્સાહન મળતા પર્યાવરણ સંરક્ષણની કોન્ફરન્સમાં ભાગ લીધો હોવાનું મિત્તલે ટરમટાએ વધુમાં જણાવ્યું હતું.
ઘરગથ્થુ ઈલાજ માટે દેશી જડીબુટ્ટી ઉપયોગી
મિત્તલ ટરમટાના જણાવ્યા મુજબ ચોટીલા ઠાંગા પંથકમાં લુપ્ત થતી ગુગળ, ચણોઠી જેવી વનવગડાની જડ્ડીબુટ્ટીઓ ઘરગથ્થુ ઈલાજ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. મિત્તલે પરિષદમાં પોતાના સંબોધન દરમિયાન આંકડા(કેલોટ્રોપીસ પ્રજાતિ), સરોઠી વેલ(એબ્રસ પ્રીકેટોરિયસ), ઈગોરિયો, ગલકા, કલથી અને માખણી જેવા છોડના લાભ વિશે વાત કરી હતી. આંકડાના દૂધનો ઉપયોગ પશુઓના પગમાંથી કાંટા સરળતાથી દૂર કરવામાં થાય છે. સરોઠી વેલનો ઉપયોગ ગાય – ભેંસની પ્રસૃતિ દરમિયાન નાળ સરળતાથી દૂર થાય તે માટે તેનો ઉપયોગ થાય છે. કલથીનો લોટ દસ્તવાળી ગાયોને ખવડાવાય છે. જે તેના લક્ષણોને દુર કરે છે. ઈંગોરિયાના (બેલાનાઇટ્સ એજિપ્ટિયાકા) ફ્ળનો રસ બકરીઓમાં શરદીનાં લક્ષણો દુર કરે છે. માખણી (પોર્ટુલાકા પ્રજાતિ) ગાય અને ભેંસને દૂધની ગુણવત્તા અને સ્વાદ સુધારવા માટે ખવડાવવામાં આવે છે.
Source link