મુળી તાલુકાના ખંપાળીયા ગામે ગત મે માસમાં આડા સબંધ મામલે શંકા રાખી ખુની ખેલ ખેલાયો હતો. જેમાં યુવાન પર ત્રણ શખ્સો લોખંડના પાઈપ, ધારીયા વડે તુટી પડયા હતા. આ બનાવમાં યુવાનનું મોત થયુ હતુ. જેમાં આરોપીઓ સુરેન્દ્રનગર સબ જેલમાં જેલવાસ ભોગવતા હતા. ત્યારે એક આરોપીને રવિવારે બપોર બાદ ગભરામણની તકલીફ થતા સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાતા મોડી રાત્રે મરણ થયુ છે.
બનાવની એ.ડિવીઝન પોલીસને જાણ થતા મૃતકના દેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ લઈ જવાયો છે.
જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ, આ ઉકતીનો સાર્થક કરતો બનાવ મુળી તાલુકાના ખંપાળીયા ગામે ગત મે માસમાં બન્યો હતો. ખંપાળીયા ગામના મહેશ બાવળીયાને ગામની એક મહિલા સાથે સબંધ હોવાની દાઝ રાખી મહિલાના પતિ જયંતીભાઈ ભાવુભાઈ બાવળીયા, ભાવુભાઈ મોહનભાઈ બાવળીયા અને ગોપાલ જગાભાઈ બાવળીયાએ મહેશને ખેતરે બોલાવ્યો હતો. અને ત્રણેય શખ્સો લોખંડના પાઈપ અને ધારીયા લઈ તુટી પડયા હતા.
જેમાં સારવાર દરમિયાન મહેશ બાવળીયાનું મોત થયુ હતુ. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલવાસ ભોગવતા 50 વર્ષીય ભાવુભાઈ મોહનભાઈ બાવળીયાને તા. 10ને રવિવારે બપોર બાદ ગભરામણ થતા તેઓને સારવાર માટે પોલીસ બંદોબસ્ત સાથે શહેરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા.
જયાં રાતના સમયે તેઓનું અવસાન થયુ હતુ. બનાવની જાણ એ.ડિવીઝન પોલીસને થતા પીએસઆઈ એચ.એસ.જાડેજા, રાજદીપસીંહ સહિતની ટીમ મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ લઈ ગઈ હતી.
બનાવની એ. ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. પરંતુ હાલ તો ભાવુભાઈ બાવળીયાનું મોત હૃદય રોગના હુમલાથી થયુ હોવાનું પ્રાથમીક તારણ સામે આવી રહ્યુ છે.
યુવાનને માર મારી તેના ભાઈને ફોન કર્યો હતો
તા. 4-5-24ના રોજ ખંપાળીયા ગામે બનેલ આ બનાવમાં મહેશ બાવળીયાને પહેલા ત્રણેય શખ્સોએ માર માર્યો હતો. બાદમાં તેના ભાઈ ધીરૂભાઈ બાવળીયાને ફોન કરીને તારા ભાઈને માર માર્યો છે, વાડીએ આવી જા તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ પરીવારજનો વાડીએ દોડી ગયા હતા અને લોહી નીકળતી હાલતમાં મહેશને સારવાર માટે લઈ જવાયો હતો. જયાં તેનું મોત થયુ હતુ.
કેદીને 2 માસ પહેલાં પેરાલિસીસનો એટેક આવ્યો હતો
જેલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મે માસમાં બનેલ હત્યા બનાવનો આરોપી 50 વર્ષીય ભાવુભાઈ મોહનભાઈ બાવળીયાની તબીયત નાદુરસ્ત રહેતી હતી. 2 માસ પહેલા પણ તેને પેરાલીસીસનો એટેક આવ્યો હતો અને તેને સારવાર માટે લઈ જવાયો હતો. રવિવારે પણ તે જેલ સ્ટાફને પગમાં દુઃખાવા અને કેડમાં દુઃખાવાની ફરિયાદ કરતો હતો. જયારે વધુ દુઃખાવો અને ગભરામણ થતા તેને સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાં મોડી રાત્રે તેનું મોત થયુ છે.
Source link