સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે પર ગત તા. 18 ફેબ્રુઆરી, 2023ને રાત્રે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ જતી કુરીયર કંપનીની વાનને આંતરી 992 કિલો ચાંદી અને ઈમીટેશન સહીત રૂ. 3.93 કરોડની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો.
આ ચકચારી બનાવના 10 દિવસ બાદ જ ગુનાનું ડીટેકશન અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટીમે કર્યુ છે અને મધ્યપ્રદેશના દેવાસમાં રહેતા દંપતી સહિત ત્રણ લૂંટારાને ઝડપી લીધા હતા. ત્યારે આ બનાવના વધુ એક આરોપીને સાયલા પોલીસની ટીમે મધ્યપ્રદેશના દેવાસમાં ન્યાયાલયની બહારથી ફિલ્મી ઢબે દબોચી લીધો છે.
રાજકોટની કુરીયર કંપનીના અમીતકુમાર શીવકુમાર સીંગ અને કલીનર ત્રીવેણી વાન લઈને અમદાવાદ એરપોર્ટ જતા હતા. ત્યારે તા. 18-2-23ના રોજ રાત્રે સાયલા હાઈવે પર ત્રણ કારમાં આવેલા સાત શખ્સોએ બન્નેને બંધક બનાવી કારમાં રહેલ 992 કિલો ચાંદી અને ઈમીટેશન જવેલરી સહીત રૂપીયા 3.93 કરોડની મત્તાની લૂંટ ચલાવી હતી. બનાવના 10 દિવસ બાદ ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સાયલા હાઈવે પર લૂંટ કરનાર મધ્યપ્રદેશના દંપતી સહીત 3 વ્યકતીઓને ઝડપી લીધા હતા. જેમાં જીતેન્દ્ર કીશનભાઈ ચૌહાણ, બબીતા જીતેન્દ્રભાઈ ચૌહાણ અને કુંદન ઉર્ફે ગોલુ દીલીપભાઈ વિશ્વકર્મા પકડાયા હતા.
આ આરોપીઓ પાસેથી 75.389 કિલોગ્રામ ચાંદીના ઘરેણા કિંમત રૂપીયા 49,29,535 અને રૂપીયા 30 હજારની ઈમીટેશનની જવેલરી સહીત કુલ રૂપીયા 49,59,535ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અને પોલીસ સમક્ષ ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ ગેંગના અન્ય સભ્યોના નામ આપ્યા હતા. જેમાં ફરાર આરોપી સુનીલ ઉર્ફે મામા મનોહરલાલ હાડા એમપીના દેવાસ ન્યાયાલયમાં મુદતે આવનાર હોવાની બાતમી પીઆઈ બી.એચ.શીંગરખીયાને મળી હતી.
આથી પીએસઆઈ એસ.ડી.પટેલ, એચ.એન.ઝાલા સહિતની ટીમે દેવાસ કોર્ટ બહાર વોચ રાખી હતી. અને કોર્ટમાં મુદત ભરીને સુનીલ હાડા બહાર આવતા જ તેને દબોચી લેવાયો હતો. બનાવના 1 વર્ષ અને 8 માસ બાદ ઝડપાયેલ શખ્સ સુનીલ હાડા હરીયાણામાં હાઈવે લૂંટના ગુનામાં 1 લાખનો ઈનામી આરોપી હોવાનું પણ સામે આવ્યુ છે. જયારે તેની સામે આંધ્રપ્રદેશ, હરીયાણા, એમ.પી., રાજસ્થાન સહિતના પોલીસ મથકે 11થી વધુ ગુના નોંધાયા છે.
અન્ય કયા કયા રાજ્યની લૂંટમાં આરોપી સુનીલ ફરાર હતો?
આંધ્રપ્રદેશના કનાગાલાનાલી પોલીસ મથકના ધાડ/મર્ડરના ગુનામાં 7 વર્ષથી ફરાર
આંધ્રપ્રદેશના પાલમાનેર પોલીસ મથકના ધાડ વીથ મર્ડરના ગુનામાં 6 વર્ષથી ફરાર
આંધપ્રદેશના દગદર્થી પોલીસ મથકના અપહરણના ગુનામાં 6 વર્ષથી ફરાર
હરીયાણાના તુરૂ પોલીસ મથકના ધાડ, અપહરણ, આર્મ્સ એકટના ગુનામાં 4 વર્ષથી ફરાર
રાજસ્થાનના પરસોલી પોલીસ મથકના હાઈવે લૂંટના ગુનામાં 8 વર્ષથી ફરાર
બનાવનો ભેદ ઉકેલવામાં મહત્વની કડી ટ્રક સાબિત થઈ હતી
મધ્યપ્રદેશથી ત્રણ કારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવી હાઈવે પર લૂંટને અંજામ આપ્યા બાદ એક ટ્રકમાં લૂંટનો માલ લઈ જવાયો હતો. પોલીસને ટેકનીકલ સોર્સની મદદથી આ ટ્રકની માહિતી મળી હતી. જેમાં ટ્રકના માલિક દમણના નીકળ્યા હતા. તેની પુછપરછમાં તેણે ટ્રક મધ્યપ્રદેશના ખેતીયામાં વેચ્યો હોવાનું ખૂલ્યુ હતુ. જયાંથી ટ્રક એમપીના ખરગોન અને ચીડાવદના જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા પાસે હોવાની વિગતો મળી હતી. અને ત્યારબાદ એક પછી એક કડી ખુલતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો.
સાયલા પોલીસની ટીમે હિન્દી ફિલ્મ ગંગાજળની જેમ કોર્ટમાં ફિલ્ડિંગ ગોઠવી હતી । એમપીના દેવાસ ન્યાયાલયમાં એક કેસમાં આરોપી સુનીલ નીર્દોષ છુટવાનો હોવાથી તે હુકમ સંભળાવતા વખતે હાજર રહેશે તેવી પોલીસને ચોક્કસ બાતમી હતી. આથી પીઆઈ બી.એચ.શીંગરખીયાના માર્ગદર્શનથી પીએસઆઈ એસ.ડી.પટેલ સહિતનાઓએ કોર્ટ બહાર વોચ રાખી હતી. અને આરોપી બહાર આવતા જ તેને દબોચી લીધો હતો. આ વિસ્તાર સુનીલનો હતો. આથી ત્યાંથી નીકળવુ મુશ્કેલ હતુ. જેના લીધે પોલીસે તુરંત જ ફિલ્મી ઢબે તેને કારમાં બેસાડી કાર મારી મુકી હતી. અને ગુજરાત બોર્ડરમાં દાહોદ સુધી નોનસ્ટોપ કાર ચલાવી હતી. ગુજરાતમાં પ્રવેશ બાદ પોલીસે રાહતનો દમ લીધો હતો.
કંજર ગેંગના અન્ય વોન્ટેડ આરોપીઓ જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા, કમલ શિવરામજી પટેલ, રામમુર્તી કરણસીંહ ઝાલા(ત્રણેયરહે.ચીડાવત, તા. ટોંકખુર્દ, જિ. દેવાસ, મધ્યપ્રદેશ), સુરેશ ગંજા, સતીશ દાઢી.
ટ્રકને ડુંગરીયા ગામમાં છુપાવી હતી
લૂંટના સમયે જીતેન્દ્ર ઝાંઝા અને કમલ પટેલ ટ્રક લઈને આવ્યા હતા. જયારે સુનીલ, સુરેશ ગંજા, સતીશ દાઢી ઝાયલો કાર લઈને આવ્યા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ જીતેન્દ્રએ ટ્રક ડુંગરીયા ગામમાં તેના ઓળખીતા શેખરના ખેતરમાં છુપાવી હતી. અને તેના બદલામાં ઉધાર નાણાં માફ કરી દેવાની તથા ટ્રક મફતમાં આપવાની ઓફર કરી હતી.
ધૂમ સ્ટાઈલમાં લૂંટના ગુના આચરતી કંજર ગેંગની મોડેસ ઓપરેન્ડી
કંજર ગેંગના સાગરિતો વિવિધ 3 ટીમ બનાવીને સામાન્ય રીતે રૂ. 1 કરોડથી વધુ મુદ્દામાલની લૂંટ કે ચોરીને જ અંજામ આપતા હતા. જેમાં 1 ટીમ સૌપ્રથમ રેકી કરતી હતી. જયારે બીજી ટીમ કાર લઈને માઈનોર અકસ્માત કરતી હતી. અને જો અકસ્માત સમયે લોકો ભેગા થઈ જાય તો અકસ્માતમાં બનાવને ખપાવી દેતી અને જો માણસો એકઠા ન થાય તો ત્રીજી ટીમ ચોરી કે લૂંટના ગુનાને અંજામ આપી દેતી હતી. ટોળકી આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં જ મોટાભાગે ચોરીને અંજામ આપતા હતા. જયાં 50-50 કિમી સુધી પેટ્રોલપંપ કે કોઈ વાહન પણ નજરે પડતુ ન હોય.
Source link