સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14મી ડિસેમ્બરે ચાલુ વર્ષ 2024ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ છે. આ લોક અદાલતમાં ફોજદારી, ચેક રીટર્ન, બેંક લેણા, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહીતના 11 પ્રકારના કેસો મુકી શકાશે. સુરેન્દ્રનગર શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફીકના નીયમોનો ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા 7,426 કેસો પણ લોક અદાલતમાં પ્રીલીટીગેશન કેસો તરીકે મુકવામાં આવનાર છે.
રાજય સરકારના નેત્રમ પ્રોજેકટ હેઠળ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપરમાં જાહેર રોડ અને ચોકમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. શહેરમાં અંદાજે 54 સ્પોટ ઉપર 250થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. આ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી તેનું મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા, બાઈક પર ત્રણ સવારી નીકળનાર, રિક્ષામાં ડ્રાઈવરની સીટ પર મુસાફર બેસાડનાર, કારમાં બ્લેક ફીલ્મ લગાડવા બદલ ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લાના અનેક વાહનચાલકો આ ઈ-મેમામાં આવેલ દંડ ભરવામાં આળસ કરે છે. પોલીસની અવારનવારની નોટીસ અને ફોન દ્વારા જાણ કરવામાં આવવા છતાં લોકો દંડની રકમ ન ભરતા અંતે પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતમાં આ કેસો મુકવાનો નીર્ણય કર્યો છે. આ અંગે એલસીબી પીઆઈ જે.જે.જાડેજાએ જણાવ્યુ કે, જિલ્લા પોલીસ વડા જી.એ.પંડયાની સુચનાથી દંડ ન ભરનાર વાહનચાલકો સામે લાલ આંખ કરાઈ છે. જેમાં જે વાહનચાલકો દંડ ભરતા નથી તેઓના કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. હાલ વીવીધ કેટેગરીના ઈ-મેમામાં 7,426 વાહનચાલકોએ હજુ સુધી ઈ-મેમાનો દંડ ભર્યો નથી. અગાઉની લોક અદાલતોમાં આ કેસો પ્રીલીટીગેશન કેસો તરીકે મુકવામાં આવતા સારૂ પરીણામ મળ્યુ હતુ. ત્યારે ફરીથી આવનારી લોક અદાલતોમાં 7,426 કેસો મુકવામાં આવનાર છે. આ માટે વાહનચાલકોને તેમના સરનામા પર નોટીસો પણ પાઠવાઈ છે. અને એસએમએસથી પણ જાણ કરાઈ છે. જયારે વાહનચાલકોને તા. 14 ડિસેમ્બર સુધીમાં દંડની રકમ ભરી જવા જિલ્લા પોલીસ વતી અપીલ પણ કરવામાં આવી છે. લોક અદાલત અંગે સુરેન્દ્રનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને ડીસ્ટ્રીકટ જજ એલ.એસ.પીરઝાદા, સેક્રેટરી ડી.ડી.શાહના જણાવાયા મુજબ જિલ્લા અને તાલુકા મથકોએ 14 ડિસેમ્બરના રોજ નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, ચેક રીટર્નના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માતના કેસો, લગ્ન વિષયક કેસો, મજુર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બીલ, પાણી બીલ, પાણી ચોરી, રેવન્યુ, દિવાની કેસો લોક અદાલતમાં મુકી શકાશે. લોક અદાલતમાં કેસોનો નીકાલ તે બન્ને પક્ષકારોને લાભ કર્તા છે. બન્ને પક્ષના સમાધાનથી કેસનો નીકાલ થાય છે. કોઈને પરાજય નહી તેવી સ્થીતી ઉદ્દભવે છે. બન્ને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રહેતુ નથી. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મુકી તેનો મહત્તમ લાભ લેવા એક યાદીમાં જણાવાયુ છે.
Source link