સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા અદાલત તથા તાલુકાકક્ષાએ તમામ તાલુકા અદાલતોમાં તાજેતરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, ટ્રાફીક ભંગના ઈ-મેમાના કેસો સહિતના 15,338 કેસો મુકાયા હતા. આ કેસોમાંથી અંદાજે 54 ટકા એટલે કે, 8,298 કેસોનો નિકાલ કરાયો હતો. અને 14,56,94,937 રૂપિયાના સેટલમેન્ટ થયા હતા.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા અદાલત તથા તાલુકાકક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં ગત તા. 14મી ડિસેમ્બરના રોજ વર્ષની આખરી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ અને ડીસ્ટ્રીકટ જજ એલ.એસ.પી રઝાદા અને કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી. ડી. શાહ સહિતનાઓની હાજરીમાં આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ કલેઇમ પીટીશન, નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ 138ના ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ(ચોરી સિવાય)ના કેસો, ભાડાના, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો, ટ્રાફીકના નીયમના ભંગ બદલના ઈ-મેમાના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક 15,338 કેસો મુકવામાં આવ્યા હતા. આ કેસોમાંથી પ્રિલીટીગેશનના 11,346 કેસોમાંથી 4,514નો નિકાલ થયો હતો. જેમાં રૂ. 1,87,91,566ની રકમના સમાધાન થયા હતા. જયારે 984 પેન્ડિંગ કેસોમાંથી રૂ. 12,69,03,371ની રકમના સેટલમેન્ટ થકી 900 કેસ ડીસ્પોઝ કરાયા હતા. બીજી તરફ સ્પેશ્યલ સિટીંગના 3,008માંથી 2,884 કેસોનો નિકાલ કરાયો હતો. જયારે ફેમિલી કોર્ટમાં હાથ પર લેવાયેલા 140માંથી 45 અને ગ્રાહક સુરક્ષાના 50 કેસમાંથી 15 કેસનો નિકાલ કરાયો હતો. લોક અદાલતમાં બેંક, વીજ કંપની, વીમા કંપની સાથેના કેસોમાં સમાધાનકારક વલણ અપનાવી રકમની વસુલાત કરી કેસોનો નિકાલ કરાયો હતો.
Source link