GUJARAT

Surendranagar: ઝાલાવાડમાં આકાશી આફતે ખરીફ-બાગાયતી પાકનો સોથ વાળી દીધો

  • મૂળી-સરા વિસ્તારના ખેડૂતોના પાકને ભારે વરસાદથી 50 ટકાથી વધારે નુકસાન
  • ઓનલાઇન કે ઓફલાઈન રજૂઆત કરવાની તેની જાણ કરવા 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
  • ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં 15 થી 20 ઇંચ વરસાદ વરસ્યો હતો

ઝાલાવાડમાં બે દિવસ ભારે વરસાદના કારણે તમામ ડેમ, નદી અને નાળા છલકાઇ ગયા છે.

પરંતુ અઢી મહીના સુધી નહીં વરસેલો વરસાદ એક સાથે 15થી 20 ઇંચ સુધી ખાબકતા ખેડૂતોના ખરીફ, બાગાયતી પાકને ભારે નુકસાન થયુ છે. સરકારે પાક નુકસાની સહાયની જાહેરાત કરી દીધા બાદ પાક નુકસાની થઇ હોય એના માટે શું કરવાનું તેની જાણ ન હોવાથી ખેડૂતો અસમંસજમાં મુકાતા ત્રણ દિવસમાં ખેતીવાડી વિભાગ દ્વારા સ્પષ્ટતા નહીં કરાય તો મોટીસંખ્યામાં કલેકટર કચેરીએ રજૂઆત કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચોમાસુ શરૂ થયા બાદ ઝાલાવાડમાં સવા બે મહિના સુધી મેઘરાજા સંતાકુકડી રમી રહયા હતા.પરંતુ બે જ દિવસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા મૂળી, ચોટીલા અને થાનગઢ વિસ્તારમાં 15 થી 20 ઇંચ વરસાદ વરસ્યો હતો. એકસાથે પવન સાથે ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં અનેક ખેડૂતોના પાક ધોવાઇ ગયા,સતત પાણી ભરવાના કારણે પાક બળી ગયો અને કપાસના પાકનો ફાલ પણ ખરી ગયો છે.

સરાના પરીમલભાઇ પરીખે જણાવેલકે સરા વિસ્તારમાં કપાસના પચાસ ટકાથી વધારે પાકને ભારે નુકસાન થયુ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના સર્વેના પણ આદેશ આપી દેવાતા ખેતીવાડી વિભાગ દ્વારા ટીમો બનાવી સર્વે પણ શરૂ કરી દેવાયો છે. પરંતુ ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવેલ કે સમગ્ર જિલ્લામાં ખેતર ખેતર સુધી તંત્રને પહાંેચતા લાંબો સમય લાગી શકે છે. જેથી ખેડૂતોને પાક નુકસાની થઇ હોય તો કોને, કઇ યોજનામાં, કયાં, ઓફલાઇન કે ઓનલાઇન, કેટલા સમયમાં રજૂઆત કે અરજી કરવાની એની સ્પષ્ટતા ન કરાતા ખેડૂતો અંસમંજશમાં મુકાયા છે. જેથી ત્રણ દિવસમાં ખેતીવાડી વિભાગ દ્વારા સ્પષ્ટતા નહીં કરાય તો ખેડૂતો કલેકટર કચેરીએ સામુહીક રજૂઆત કરશે. હવે ખેતીવાડી વિભાગ યોગ્ય સ્પષ્ટતા કયારે કરે છે અને નુકસાની થયેલ દરેક ખેડૂતોના ખેતર સુધી કયારે પહોચે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

જિલ્લામાં સર્વે માટે 73 ટીમ બનાવી છે

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવેલ કે સર્વે માટે તલાટી,ગ્રામસેવક અને બાગાયત અધિકારીની અલગ-અલગ 73 ટીમો બનાવી સર્વે શરૂ કરી દેવાયો છે એસ.ડી.આર.એફ.યોજના હેઠળ શહાય ચુકવાશે અને પાક નુકસાની થઇ હોય એ ખેડૂતો પ્રાથમીક ગ્રામ સેવકને જાણ કરી શકે છે.

સરા વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન

સરાના પરીમલભાઇ પરીખે જણાવેલ કે જિલ્લામાં સૌથી વધારે વરસાદ પાંચાળ વિસ્તારમાં વરસ્યો છે ત્યારે બે દિવસ સતત વરસાદના કારણે સરા વિસ્તારના ખેડૂતોના પચાસ ટકાથી વધારે કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયુ છે જેઓની યોગ્ય વળતરની માંગ છે.

તંત્ર દ્વારા સ્પષ્ટતા નહીં કરાતા જિલ્લાભરના ખેડૂતો મૂંઝાયા

ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ જણાવેલ કે ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે તો શરૂ કરી દીધો. પરંતુ જે ખેડૂતોને પાક નુકસાની છે. એ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરે, કઇ રીતે કોને અને કયાં અરજી કરે એવી કોઇ સ્પષ્ટતા જ નથી કરી. જેના કારણે ખેડૂતો મુંઝાયા છે. ત્રણ દિવસમાં ખેતીવાડી વિભાગ આ અંગેની સ્પષ્ટતા નહીં કરે તો સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કચેરીએ ખેડૂતો સામુહીક રજૂઆત કરશે.

પવન સાથેના વરસાદથી પાક બળી અને આડો પડી ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ પવન સાથેના મુશળધાર વરસાદના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, ફાલ ખરી ગયો અને ભારે પવનના કારણે આડો પડી જતા ખેડૂતોના કપાસ સહિતના જુદાં જુદાં પાકને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button