સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની 24 ટ્રીપ દોડાવી હતી. જેમાં તા.29-10થી 6-11 સુધીમાં ડેપોને વધારાની ટ્રીપ થકી રૂ. 1.55 લાખથી વધુની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન રેગ્યુલર ચાલતી ટ્રીપોમાંથી પણ 56 લાખથી વધુની આવક થઈ છે.
GSRTCના રાજકોટ ડીવીઝન દ્વારા દિવાળી અને નુતન વર્ષના તહેવારોને ધ્યાને લઈને વધારાની એકસ્ટ્રા બસો દોડાવાઈ હતી. જેમાં ઝાલાવાડના મુખ્ય મથક ગણાતા એવા સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો દ્વારા પણ 24 વધારાની ટ્રીપો દોડાવાઈ હતી. જેમાં દાહોદ, ગોધરા, ઝાલોદ, બારીયા, અમરેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તરફના મુસાફરો માટે વધારાની બસોનું આયોજન કરાયુ હતુ. ઝાલાવાડના લોકો ખાસ કરીને સુરત, સૌરાષ્ટ્ર અને કચછ તરફ વસેલા છે. તહેવારો ટાણે આ લોકો દિવાળી કરવા વતન આવે છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય મજુરો દિવાળી કરવા વતન જાય છે. ત્યારે મુસાફરોને અગવડતા ન પડે તે માટે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોના મેનેજર વી.એલ.ચૌધરી દ્વારા વડી કચેરીની સુચના મુજબ તા. 29-10 થી 6-11 સુધી વધારાની બસો દોડાવાઈ હતી. જેમાં રેગ્યુલર ચાલતી બસો સાથે વધારાની બસો દોડતા આ દિવસોમાં એસ.ટી. ડેપોને કુલ 57,92,061ની આવક થઈ છે. જેમાં વધારાની 22 ટ્રીપો 3,497 કિલોમીટર દોડી હતી. જેમાં 1578 મુસાફરોએ ટીકીટના રૂપિયા 1,55,767 ચુકવ્યા હતા. જયારે રેગ્યુલર ચાલતી બસોમાં પણ મુસાફરોની ભારે ભીડ રહી હતી. આ સમયગાળા દરમિયાન રેગ્યુલર બસોમાંથી 56,36,385ની આવક સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોને થતા ડેપોની તિજોરી નાણાંથી છલકાઈ છે.
Source link