અમદાવાદ શહેરના એક ફેકટરી માલીકને ચાર ગણા રૂપીયા કરી દેવાની લાલચ આપી હત્યા નીપજાવવાના ગુનામાં સરખેજ પોલીસે મુળ વઢવાણના ભુવાની ધરપકડ કરી છે. ત્યારે સરખેજ પોલીસ ગુરૂવારે ભુવાને લઈને રીમાન્ડ દરમીયાન તપાસ અર્થે વઢવાણ લાવી હતી. જેમાં દોઢ વર્ષ પહેલા દુધરેજ કેનાલમાં માતા-પિતા અને પુત્રીની લાશ મળી આવવાના બનાવમાં ભુવાનો હાથ હોવાની પરીવારજનોએ આશંકા વ્યકત કરતી રજૂઆત પોલીસને કરી હતી.
અમદાવાદ શહેર પાસેના ચાંગોદરમાં કોસ્મેટીક ટ્રેડીંગનું કામ કરતા અભીજીતસીંહ રાજપુતને તાંત્રીક વીધીથી રૂપીયા 4 ગણા કરી દેવાનું મુળ વઢવાણના ભુવાજી નવલસીંહ અરવિંદભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ. જેમાં સેડીયમ પાવડરનું પાણી અભીજીતસીંહને પીવડાવી મોતને ઘાટ ઉતારાયો હતો. આ બનાવમાં સરખેજ પોલીસની ટીમે ભુવા નવલસીંહ ચાવડાને ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીના 7 દિવસના રીમાન્ડ મંજુર કરતા સરખેજ પોલીસ ભુવા નવલસીંહને લઈને ગુરૂવારે વઢવાણ આવી હતી. વઢવાણના શીયાણીપોળ વિસ્તારમાં આવેલ મઢે તેને લઈ જવાયો હતો. અને પુછપરછ કરાઈ હતી. હત્યામાં વપરાયેલ સેડીયમ પાવર ભુવો વઢવાણથી લાવ્યો હોવાની તેણે અગાઉ કબુલાત કરી હતી. જે બાબતે પોલીસે પુછપરછ કરી હતી. ત્યારે સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં દોઢ વર્ષ અગાઉ માતા-પિતા અને પુત્રીની લાશ મળી આવવાના બનાવમાં ભુવાનો હાથ હોવાની આશંકા પરીવારજનોએ વ્યકત કરી પોલીસને રજુઆત કરી હતી. મૃતકના પરીવારજનોના જણાવાયા મુજબ મૃતકના મોબાઈલ અને બાઈક ગાયબ હતા. મૃતકના પુત્ર સાથે ભુવાને નાણાની લેવડ-દેવડ થઈ હોવાના પણ પુરાવા પરીવારજનોએ રજુ કર્યા હતા. ત્યારે સરખેજ પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ આદરી છે. જો આ બનાવમાં ભુવા નવલસીંહનો હાથ હોવાનું બહાર આવે તો વણઉકેલ્યો ગુનો ઉકેલાઈ શકે છે અને પરીવારજનોને ન્યાય મળી શકે તેમ છે.
Source link