થાનના વગડીયા રોડ પર આવેલ સ્નો સેરા પ્રા. લી. સીરામીક એકમમાં ગત તા. પ ઓગસ્ટના રોજ ચેકીંગ દરમીયાન ગેસ ચોરી ધ્યાને આવી હતી. જેમાં તાત્કાલીક અસરથી પુરવઠો બંધ કરી દેવાયો હતો. આ કેસમાં ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજરે એકમના ર ભાગીદારો અને કોન્ટ્રાકટર કંપનીના માણસ સહિત 3 સામે રૂપીયા 1.65 કરોડની ગેસ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ફરાર કંપનીના 2 ભાગીદારોને થાન પોલીસે 4 માસ બાદ ઝડપી લીધા છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા થાનમાં કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશ માટે કનેકશનો અપાયા છે. જેમાં થાનના વગડીયા રોડે આવેલ સ્નો સેરા પ્રા. લી.માં પણ તા. 1-12-2014થી કનેકશન અપાયુ હતુ. ઔદ્યોગીક એકમોમાં અપાયેલા કનેકશનોમાં અવારનવાર ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે તા.5 ઓગસ્ટના રોજ ગેસ કંપનીનો ટેકનીકલ સ્ટાફ સ્નો સેરા કંપનીમાં ચેકીંગ માટે ગયો હતો. જેમાં કંપનીને અપાયેલ કનેકશનના વાલ બંધ હતા જયારે ગેસથી કંપનીમાં પ્રોડકશન ચાલુ હતુ. આથી તપાસ કરતા કંપનીમાં કનેકશન મીટર પહેલા અલગથી ગેરકાયદેસર કનેકશન લઈને ગેસ ચોરી થતી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી તાત્કાલીક કનેકશન બંધ કરી દેવાયુ હતુ. જયારે આ અંગે તપાસ કરતા ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાકટર મેસર્સ આત્મીય બીલ્ડકોનના કર્મચારી ભરત દેવાભાઈ કુમખાણીયાએ જ 2 માસ પહેલા કંપનીના ભાગીદારો ભુપત ગોવિંદભાઈ પટેલ અને અંકીત પટેલ સાથે મળી જેસીબીથી ખોદાણ કરી કંપનીના સ્ટોર રૂમમાંથી જરૂરી સામાન લઈ ગેરકાયદેસર કનેકશન આપ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. આથી તા. 29-8ના રોજ ગુજરાત ગેસ કંપનીના કોમર્શીયલ એન્ડ માર્કેટીંગ વિભાગના ડેપ્યુટી મેનેજર જય હર્ષદભાઈ ચૌહાણે થાન પોલીસ મથકે ભુપત ગોવિંદભાઈ પટેલ, અંકીત પટેલ, ભરત કુમખાણીયા અને તપાસમાં ખુલે તે શખ્સો સહિત રૂપીયા 1.65 કરોડની ગેસચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં 4 માસથી ફરાર સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ પટેલ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ભુપત ગોવિંદભાઈ પટેલ અને મુળ દસાડાના નાના ગોરૈયાના અને હાલ 80 ફુટ રોડ પર ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા 37 વર્ષીય અંકીત ધીરજભાઈ ભલાણીને ઝડપી લીધા છે. બન્નેની ધરપકડ થયા બાદ આ કેસમાં હજુ વધુ નામ ખુલવાની પોલીસને શકયતા છે.
Source link