સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા ગ્રામ્ય અને લીંબડી હાઈવે પર અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે.લખતરના બસ સ્ટેશનથી સહયોગ વિદ્યાલય સુધી રોડનું કામકાજ ચાલી રહ્યુ છે. જેમાં ઠેર ઠેર માટીના ઢગલા કરાયા છે. ત્યારે લખતરમાં રહેતા વિનોદભાઈ જખવાડીયાની 14 વર્ષીય પુત્રી ખુશીબેન માટીના ઢગલા પરથી ચાલીને જતી હતી.
ત્યારે અચાનક પગ લપસતા તે રસ્તા પર જતા ડમ્પરના પાછળના જોટામાં આવી ગઈ હતી. બનાવની જાણ થતા ઈજાગ્રસ્ત ખુશીને પ્રથમ લખતર અને ત્યારબાદ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયારે પોલીસે પણ દોડી જઈ ડમ્પરનો કબજો લીધો હતો. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો. જયારે ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલ પ્રગતી પાર્કમાં રહેતી મહિલાઓ જયોતીબેન મહેન્દ્રપુરી ગોસ્વામી, દેવીબેન સીંધવ, સોનલબેન મનીશભાઈ, સરોજબેન ચમનભાઈ, ગીતાબેન જીતુભાઈ સહિતનાઓ મહમદભાઈ કાદરભાઈ મુલતાનીની રિક્ષા ભાડે કરીને ગત તા. 30મીએ નારીચાણા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. જયાંથી પરત ફરતા હતા ત્યારે જસાપર ગામ પાસે પાછળથી પુરપાટ આવેલી કારે રિક્ષાને ટક્કર મારતા જયોતીબેન અને ગીતાબેનને ઈજાઓ પહોંચી હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ અમદાવાદના ઈસનપુરમાં રહેતા પીયુષભાઈ શાંતીલાલ ચૌહાણના પરિવારને દ્વારકા દર્શન કરવા જવાનું હોવાથી ગત તા. 24-11ના રોજ પરોઢે અમદાવાદથી ભાવીકભાઈ પંચાલની કાર લઈને નીકળ્યા હતા. જેમાં તેમની સાથે પરીવારમાં પત્ની શારદાબેન, કાકાનો દીકરો અતુલભાઈ, તેમના પત્ની રમીલાબેન, અતુલભાઈની 3 દિકરીઓ એશા, જીનલ અને સીધ્ધી સહિતનાઓ હતા. જેમાં લીંબડી હાઈવે પર રળોલ પાટીયા પાસે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રાધીકા હોટલના પાર્કીંગમાં ઉભેલ ટ્રક પાછળ અથડાઈ હતી. બનાવમાં સારવાર દરમિયાન અતુલભાઈ અને ભાવીકભાઈ પંચાલનું મોત થયુ હતુ. આથી પીયુષભાઈએ બનાવની પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.
Source link