વિરમગામમાં શ્રાવણ માસમાં સાતમ-આઠમના પર્વ ટાણે મુશળધાર વરસાદ થવાથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ત્યારે શહેરના એસટી બસ સ્ટેન્ડ, તેની સામે સુપર માર્કેટ સહિત ગોળપીઠા બજારમાં પણ ઢીંચણ સમા પાણી ભરાવો થઈ ગયો હતો. જેથી સુપર માર્કેટ, ગોળપીઠા, લોખંડ બજારના 200 દુકાનદારોમાંથી ઘણાની દુકાન તેમજ ગોડાઉનમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને મોટુ નુકશાન થવા પામ્યું છે. વરસાદી પાણી સપ્તાહ કરતા વધુ સમય વિતવા છતાં નહીં ઓસરતા સુપર માર્કેટ અને તેની બહાર 70થી વધુ વેપારીના ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા. કાદવકીચડ ગંદકીનું સામ્રાજય પથરાઈ ગયુ હોવાથી વેપારીઓ દ્વારા ત્રણથી ચાર વાર પાણી નિકાલ માટે પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ નઘરોળ તંત્રે વેપારીઓની રજૂઆતો કાને નહીં ધરતા સુપર માર્કેટ વેપારીઓએ પોતાના ખર્ચે બુધવારે જેસીબી મશીન બોલાવીને સુપર માર્કેટ, ગોળપીઠા બજાર વચ્ચેથી પસાર થતી કાદવકચરાથી જામેલી વરસાદી પાણીની મુખ્ય ગટરમાંથી કચરો ઉલેચાવતા પાણીનો નિકાલ શરૂ થયો હતો. તંત્રે વેપારીઓની રજુઆત ધ્યાને નહીં લેતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. વેપારીઓએ રાવ કરી હતી કે પાલિકા દ્વારા વેરા બિલમાં સરેરાશ કુલ રૂ. 500નો વધારો ઝીંકાયો છે. જેમાં ખાસ સફાઇ વેરો વધારાનો ઝીંકાયો છે. તેમ છતાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીના અભાવે વરસાદી પાણી ભરાવાથી ભોગ બનેલા વેપારીઓને ભારે નુકશાન ભોગવવાનું આવ્યું છે.
Source link